માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ હવે ભારતમાં આયોજિત થઈ રહેલી પ્રતિષ્ઠિત ’ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ’માં સામેલ થશે નહીં. અમેરિકાના કુખ્યાત ફાઇનાન્સર જેફરી એપ્સટિન સાથે જોડાયેલી વિવાદાસ્પદ ’એપ્સટિન ફાઇલ્સ’માં બિલ ગેટ્સનું નામ સામે આવ્યા બાદ ભારત સરકારે તેમના નિમંત્રણ પર પુન:વિચાર કરીને તેને રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સરકાર વતી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે તેઓ આ સંવેદનશીલ મામલામાં ’પીડિતોની સાથે ઊભા છે’. આ જ કારણોસર સમિટના મુખ્ય વક્તાઓની યાદીમાંથી બિલ ગેટ્સનું નામ હટાવી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ આયોજન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI ) ના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટેનું એક મોટું પ્લેટફોર્મ છે.
તાજેતરમાં જાહેર થયેલા ગુપ્ત દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો છે
કે એપ્સટિન અને ગેટ્સ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતા. જોકે, બિલ ગેટ્સે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેમને એપ્સટિન સાથે વિતાવેલી ’દરેક મિનિટનો પસ્તાવો છે’ અને તેમણે આ માટે માફી પણ માંગી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની મુલાકાતો માત્ર ચેરિટી અને ફંડ એકત્ર કરવાના હેતુથી જ હતી.
બિલ ગેટ્સ આ સમિટમાંથી બહાર થયા હોવા છતાં, ટેક જગતના અન્ય મોટા નામો આ ઈવેન્ટમાં જોવા મળશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને ઓપન-એઆઈના સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજો આ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ભારત સરકાર આ આયોજન દ્વારા દેશને ગ્લોબલ અઈં હબ તરીકે રજૂ કરવા માંગે છે.
