રાત્રે ઘરમાં ઘૂસી મહિલાના કપડા ઉંચા કરવા એ બળાત્કારનો પ્રયાસ નથી: ઝારખંડ હાઇકોર્ટ

કોઈ મહિલાના ઘરમાં રાત્રિના સમયે અનધિકૃત રીતે પ્રવેશ કરવો અને તેના કપડાં ઊંચા કરવાનો પ્રયાસ કરવો તે ગુનાહિત કૃત્ય હોઈ શકે છે, પરંતુ પૂરતા પ્રત્યક્ષ…

કોઈ મહિલાના ઘરમાં રાત્રિના સમયે અનધિકૃત રીતે પ્રવેશ કરવો અને તેના કપડાં ઊંચા કરવાનો પ્રયાસ કરવો તે ગુનાહિત કૃત્ય હોઈ શકે છે, પરંતુ પૂરતા પ્રત્યક્ષ પગલાં વિના તેને બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહીં, તેવો મહત્ત્વપૂર્ણ ચુકાદો ઝારખંડ હાઇકોર્ટે આપ્યો છે. અદાલતે ભારતીય દંડ સંહિતા (IPC) હેઠળ સ્ત્રીની લજ્જાભંગ (છેડતી) અને બળાત્કારના પ્રયાસ વચ્ચેની કાનૂની ભેદરેખાને સ્પષ્ટ કરી હતી. જસ્ટિસ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવની સિંગલ બેન્ચે વર્ષ 1999 ના એક જૂના કેસની ફોજદારી અપીલ પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે, આરોપી દ્વારા કરવામાં આવેલું કૃત્ય બળાત્કારના પ્રયાસની કાનૂની મર્યાદા કે થ્રેશોલ્ડને પાર કરતું નથી. આ સાથે હાઇકોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને ફટકારવામાં આવેલી 4 વર્ષની સખત કેદની સજામાં મોટો ફેરફાર કર્યો હતો.

આ કેસ પૂર્વ સિંઘભૂમ જિલ્લાના ઘાટશિલા વિસ્તારનો છે, જેની ઘટના 26-27 ડિસેમ્બર 1999 ની મોડી રાત્રે બની હતી. પીડિતા મહિલા તેના ઘરમાં સૂતી હતી ત્યારે કમલેન્દુ મહતો ઉર્ફે ખોકા નામના શખ્સે દરવાજો ખોલીને રૂૂમમાં પ્રવેશ કર્યો હતો. મહિલાનો આરોપ હતો કે આરોપીએ તેના પર આવીને સાડી ઊંચી કરી બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતા પરિવારજનો અને પડોશીઓ દોડી આવ્યા હતા, જેથી આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ નોંધાયેલી એફઆઈઆર અને પોલીસ ચાર્જશીટના આધારે ઘાટશિલાની એડિશનલ સેશન્સ કોર્ટે જુલાઈ 2006 માં આરોપીને કલમ 376/511 (બળાત્કારનો પ્રયાસ) અને કલમ 452 (ગેરકાયદે ઘૂસણખોરી) હેઠળ દોષિત ઠેરવી ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ચુકાદાને આરોપીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

અપીલની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પીડિતા અને સાક્ષીઓના નિવેદનોનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું હતું. અદાલતે નોંધ્યું કે ઘટનાસ્થળે દોડી આવેલા સાક્ષીઓએ માત્ર આરોપીને ભાગતો જોયો હતો અથવા મહિલા પાસેથી વિગત સાંભળી હતી. અદાલતે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, બળાત્કારના પ્રયાસનો ગુનો સાબિત કરવા માટે આરોપીનું કૃત્ય વાસ્તવિક દુષ્કર્મ આચરવાની દિશામાં પૂરતું નજીક (સફિશિયન્ટલી પ્રોક્સિમેટ) હોવું અનિવાર્ય છેજેમ કે પોતાના કપડાં ઉતારવા કે શારીરિક પ્રવેશનો સીધો પ્રયાસ કરવો. આ કેસમાં આરોપીએ રૂૂમમાં ઘૂસીને સાડી પકડી ઊંચી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનાથી આગળ વધીને સંભોગ આચરવા માટે કોઈ સીધું બાહ્ય પગલું ભર્યું હોય તેવા પુરાવા મળતા નથી. તેથી આ કૃત્ય અશિષ્ટ હુમલો કે છેડતી જરૂૂર છે, પરંતુ તે બળાત્કારના પ્રયાસના દાયરામાં આવતું નથી. હાઇકોર્ટે નીચલી અદાલતના આદેશમાં સુધારો કરતા આરોપીને કલમ 376/511 ના ગંભીર આરોપમાંથી મુક્ત કર્યો હતો.

અને તેની જગ્યાએ મહિલા પર ફોજદારી બળનો ઉપયોગ કરી લજ્જાભંગ કરવા બદલ કલમ 354 અને કલમ 452 હેઠળ દોષિત ઠેરવ્યો હતો. સજાના મામલે ન્યાયાધીશે નોંધ્યું હતું કે ઘટનાને 26 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે અને આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપી અગાઉ ટ્રાયલ અને કસ્ટડી દરમિયાન લગભગ આઠ મહિના જેલમાં વિતાવી ચૂક્યો હોવાથી, ન્યાયના હિતમાં તેણે ભોગવેલી આ સજાને જ પૂરતી ગણી અદાલતે તેની અપીલ અંશત: માન્ય રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *