ગઇકાલે શૂટર પકડાયા બાદ હથિયાર આપનારની ઘરે સર્ચ દરમિયાન STFએ ઠાર માર્યો
બિહારના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યાના કેસમાં, પટણા પોલીસે મંગળવારે વહેલી સવારે એક એન્કાઉન્ટરમાં એક હથિયાર સપ્લાયરને ઠાર માર્યો છે. બિહાર પોલીસની STF એ પટણામાં ગેરકાયદેસર હથિયારોના વેપારમાં સામેલ વિકાસ ઉર્ફે રાજાને એન્કાઉન્ટરમાં માર્યો છે. મળતી માહિતી મુજબ, ગઇકાલે જ પોલીસે રાજાને શૂટર ઉમેશ સાથે ધરપકડ કરી હતી. રાજા દ્વારા આપવામાં આવેલી માહિતી પર પોલીસ ટીમ હત્યામાં વપરાયેલ હથિયાર રિકવર કરવા ગઈ હતી. આ સમય દરમિયાન રાજાએ STF ટીમ પર ગોળીબાર કર્યો.
પોલીસે પણ વળતો જવાબ આપ્યો અને રાજા માર્યો ગયો. શૂટર ઉમેશની ધરપકડ કર્યા પછી, પોલીસે કહ્યું હતું કે ઉમેશનો ચહેરો સીસીટીવી ફૂટેજમાં દેખાતા હત્યારા સાથે મેચ થઈ ગયો છે. IG જીતેન્દ્ર રાણા અને SSP કાર્તિકેય શર્મા સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. પોલીસે ઉમેશ યાદવને મારવાનો કોન્ટ્રાક્ટ આપનાર વ્યક્તિ તરીકે અશોક શાહનું નામ આપ્યું છે. અશોક શાહની ગોપાલ ખેમક સાથે શું દુશ્મની હતી, તેણે તેને કેમ માર્યો, આ અંગેની માહિતી પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં મળે તેવી શક્યતા છે.
પ્રખ્યાત ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા હત્યા કેસમાં આ પહેલું એન્કાઉન્ટર છે. પટણાના માલસલામી પોલીસ સ્ટેશન વિસ્તારના પરદામરિયા ઘાટ પાસે STF અને રાજા વચ્ચે આ એન્કાઉન્ટર થયું હતું. પોલીસે ગોપાલ ખેમકાના શૂટર ઉમેશને પણ તે જ વિસ્તારમાંથી પકડ્યો હતો. આ કેસમાં, ગોપાલ ખેમકાની હત્યા માટે 3.5 લાખ રૂૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. સૂત્રોના હવાલેથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાના કોઈ પરિચિત વ્યક્તિ આ હત્યામાં સામેલ હોઈ શકે છે.
