ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરાયેલ વાહન ચાલકો સામે પોલીસની લાલ આંખ
જામનગર શહેરના દિગજામ સર્કલ નજીક આવેલા ડો. આંબેડકર બ્રિજના સર્વિસ રોડ પર છેલ્લા કેટલાક સમયથી અનધિકૃત રીતે વાહનો પાર્ક કરવાની સમસ્યા વકરી હતી. આના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આજે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસની ટીમે આજે સવારથી જ સર્વિસ રોડ પર પેટ્રોલિંગ કરીને અનધિકૃત રીતે પાર્ક કરેલા વાહનોને કબજે કરવાનું શરૂૂ કર્યું હતું. આ દરમિયાન કેટલાક વાહનચાલકો ખોડીયાર માલધારી ધાબા પર જમતા હતા અને તેમને પોતાના વાહનો બચાવવા દોડવાની ફરજ પડી હતી. ટ્રાફિક પોલીસની આ કાર્યવાહીથી શહેરીજનોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. લોકોનું માનવું છે કે આવી કાર્યવાહીથી રોડ પર ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રેરાશે. જોકે, કેટલાક વાહનચાલકોનું કહેવું છે કે આ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓ વાહનો અનધિકૃત રીતે પાર્ક કરવા માટે મજબૂર થાય છે.
આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ટ્રાફિક પોલીસે આ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા કરવાની જરૂૂર છે.
ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે તેઓ આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રાખશે અને અનધિકૃત રીતે વાહનો પાર્ક કરવાની સમસ્યા પર અંકુશ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે.