મેન્સ અને મહિલા ક્રિકેટમાં અલગ-અલગ સાઈઝના બોલ વપરાશે

બાઉન્ડ્રીની બહારનો કેચ પકડવા હવામાં અધ્ધર રહીને એક જ વાર બોલને ટચ કરી શકાશે, MCC દ્વારા 73 મોટા સુધારા જાહેર ક્રિકેટના કાયદાઓ ઘડતી મેરિલબોન ક્રિકેટ…

બાઉન્ડ્રીની બહારનો કેચ પકડવા હવામાં અધ્ધર રહીને એક જ વાર બોલને ટચ કરી શકાશે, MCC દ્વારા 73 મોટા સુધારા જાહેર

ક્રિકેટના કાયદાઓ ઘડતી મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ નિયમોમાં 73 મોટા સુધારાની જાહેરાત કરી છે. એમાંથી 10 ફેરફાર એવા છે જેની સીધી અસર ક્રિકેટ રમવાની રીત પર પડશે. ખામીઓ, અસ્પષ્ટતાને દૂર કરવા અને અમ્પાયર્સનું કામ દરેક સ્તરે સરળ બનાવવા માટે કરવામાં આવેલા આ ફેરફાર ઑક્ટોબર 2026થી ક્રિકેટમાં લાગુ થશે.મહિલા અને જુનિયર ક્રિકેટને ધ્યાનમાં રાખીને હવે બોલ 3 પ્રકારનાં કદ અને વજનમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

મેન્સ ક્રિકેટમાં વપરાતા બોલ મહિલા અને જુનિયર માટે વધારે અનુકૂળ ન હોવાથી તેમના માટે નાના અને થોડા હળવા બોલ નક્કી કરીને એને સાઇઝ બે અને સાઇઝ ત્રણમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પુરુષ ક્રિકેટમાં પહેલાંની જેમ જ સાઇઝ 1નો બોલ વપરાશે.

લેમિનેટેડ બેટ એટલે કે 3 પ્રકારનાં લાકડાંમાંથી બનતા બેટનો જુનિયર ક્રિકેટ બાદ હવે ઓપન-એજ ક્રિકેટમાં પણ ઉપયોગ થઈ શકશે. આ બેટ કિંમતની દૃષ્ટિએ સસ્તાં હોય છે. પ્રોફેશનલ ક્રિકેટર્સ પહેલાંની જેમ પરંપરાગત સિંગલ-પીસ બેટથી જ રમશે.

મલ્ટિ-ડે ફોર્મેટની મેચમાં દિવસના અંતની ઓવર દરમ્યાન વિકેટ પડવા છતાં રમતને અધૂરી છોડવામાં નહીં આવશે. બોલિંગ ટીમે દિવસના અંતે એ ઓવરને સમાપ્ત કરવી પડશે. જો કોઈ બેટર જાણીજોઈને શોર્ટ રન લેશે તો ફીલ્ડિંગ ટીમ હવે નક્કી કરશે કે કયો બેટ્સમેન આગામી બોલ પર સ્ટ્રાઇક લેશે.
પહેલાં જાહેરાત થઈ છે એ અનુસાર બાઉન્ડરી પર કહેવાતા બન્ની હોપ કેચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાઉન્ડરી બહાર એકથી વધુ વખત બોલને સ્પર્શ કરી શકાશે નહીં.

ઓવરથ્રો આખરે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. ફીલ્ડર દ્વારા સ્ટમ્પ તરફ ફેંકવામાં આવેલા બોલને કોઈ અન્ય પ્લેયર દ્વારા રોકવાનો પ્રયાસ કરવા છતાં નિષ્ફળતા મળે તો એને ઓવરથ્રો નહીં પણ મિસફીલ્ડ ગણવામાં આવશે. સ્ટમ્પ તરફ ફેંકવામાં આવેલા બોલને રોકવાનો કોઈએ પ્રયાસ ન કર્યો હોય તો એને ઓવરથ્રો કહેવામાં આવશે.

સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે બોલ બોલર અથવા વિકેટકીપરના હાથમાં ગયો એટલે એ બોલ સંપૂર્ણપણે સેટલ એટલે કે ડેડ થયો છે, પરંતુ હવે કોઈ પણ ફીલ્ડર જે જમીન પર સ્થિર હોય એના હાથમાં પણ બોલ જશે તો એ બોલને ડેડ ગણવામાં આવશે. ઉપરાંત બોલરના રન-અપ દરમ્યાન સ્ટમ્પની આગળ વિકેટકીપરનાં ગ્લવ્ઝ આવી જાય તો એને નો-બોલ ગણવામાં નહીં આવે. બોલર દ્વારા બોલ ફેંકાયા પછી જ નો-બોલનો નિયમ લાગુ થશે.

હિટ-વિકેટ પર વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો બેટર અને તેનાં હેલ્મેટ સહિતનાં સાધનો ફીલ્ડિંગ ટીમના કોઈ સભ્યને સ્પર્શ કરીને પછી સ્ટમ્પમાં લાગે તો એ હિટ-વિકેટ ગણાશે નહીં. બેટર અને એનાં સાધનો ડાયરેક્ટ સ્ટમ્પમાં લાગશે ત્યારે જ હિટ-વિકેટ જાહેર કરવામાં આવશે.
હવે રનઆઉટ અને સ્ટમ્પિંગ સમયે ફીલ્ડરના હાથમાં બોલનું સંપૂર્ણ નિયંત્રણ હશે ત્યારે જ વિકેટ ગણાશે. બોલ સાથેના માત્ર સ્પર્શથી રનઆઉટ અને સ્ટમ્પિંગ સફળ ગણાશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *