નાણાં મંત્રી નિર્મલા સિતારમણનું બજેટ રજૂ થઈ ગયું અને એક ઔપચારિકતા પૂરી થઈ ગઈ. બજેટ રજૂ થાય પછી શાસક પક્ષ તેને વખાણતો હોય છે ને વિપક્ષો તેને વખોડતો હોય છે. મીડિયા પણ બજેટમાંથી નવી નવી વાતો શોધીને રજૂ કરવાની મથામણ કરતું હોય છે ને સામાન્ય માણસ મૂંઝાયેલો મૂંઝાયેલો આખો ખેલ જોયા કરે છે કેમ કે શાસક પક્ષ, વિપક્ષો અને મીડિયા ત્રણેય પોતપોતાનાં હિતોને આધારે મૂલ્યાંકન કરીને અભિપ્રાયોની ફેંકાફેંક કરે છે. અત્યારે વખાણવા-વખોડવાની પ્રક્રિયા, મીડિયાની મથામણ ને ફેંકાફેંક ચાલુ છે પણ બજેટમાં કશું છે જ નહીં તેથી આ મથામણ પાણી વલોવીને માખણ કાઢવાની છે. તેમાં નિર્મલાનો પણ વાંક નથી કેમ કે હવે બજેટમાં કશું કરવા જેવું રહ્યું જ નથી. નિર્મલા ગયા વરસે બજેટમાં મધ્યમ વર્ગ પર મન મૂકીને વરસેલાં જ તેથી આ વરસે કોઈ આશા જ નહોતી. અત્યારે બજેટમાં મુખ્ય બાબત ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીધા કરવેરા છે ને તેમાં પણ સૌથી મહત્ત્વના આવકવેરાના દરો છે.
આ દેશમાં બહુમતી વર્ગ મધ્યમ વર્ગ છે અને મધ્યમ વર્ગને પોતાની કમાણીમાંથી સરકાર ઈન્કમ ટેક્સ પેટે શું લઈ જશે તેની ચિંતા હોય જ તેથી બજેટમાં તેને સૌથી વધારે રસ ઈન્કમટેક્સના સ્લેબમાં હોય છે. નિર્મલાએ ગયા વરસે નોકરીયાત મધ્યમ વર્ગની 12 લાખ રૂૂપિયા સુધીની આવકને આવકવેરામાંથી મુક્તિ આપી દીધી પછી પાંચ વર્ષ લગી મધ્યમ વર્ગ કશું માગે જ નહીં એવું કરી નાંખ્યું છે. નિર્મલા સીતારમણને ત્રણ વર્ષ પહેલાં ન્યુ ઈન્કમટેક્સ રીજિમ જાહેર કર્યા તેમાં 7.20 લાખ રૂૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહોતો લાગતો. ગયા વરસે એ મર્યાદા વધારીને સીધી 12 લાખ રૂૂપિયા કરી દેવાઈ. લટકામાં સ્ટાન્ડર્ડ ડીડક્શનની 75 હજારની છૂટ પણ ચાલુ રખાઈ. સ્ટાન્ડર્ડ ડીડક્શનના 75 હજાર રૂૂપિયા ઉમેરતાં હવે 12.75 લાખ રૂૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી.
સાદું ગણિત સમજીએ તો મહિનાની એક લાખ છ હજાર રૂૂપિયા સુધીની આવક હોય તો એક પૈસો પણ ઈન્કમટેક્સ પેટે નહીં ચૂકવવો પડતો નથી. ભારતમાં મોટા ભાગનો મધ્યમ વર્ગ એક લાખથી ઓછો પગાર મેળવીને આ ટેક્સ બ્રેકેટમાં આવી જાય છે તેથી બહુમતી નોકરીયાત મધ્યમ વર્ગ પરનો ઈન્કમટેક્સ મોદી સરકારે નાબૂદ જ કરી દીધો છે એમ કહેવાય. હવે વરસ પહેલાં જ આટલી મોટી રાહત આપી હોય પછી નિર્મલા આ વરસે ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરે કે બીજી કોઈ મોટી જાહેરાત કરે એવી આશા કઈ રીતે રાખી શકો ? ના જ રાખી શકો તેથી મીડિયા ભલે લોકોને લલચાવવા માટે ઈન્કમટેક્સમાં રાહતોની વાતો ચલાવ્ય કરતું હોય પણ નિર્મલા કોઈ રાહત આપે એવી શક્યતા જ નહોતી.
નિર્મલાએ નવા ઈન્કમટેક્સ એક્ટનો એક એપ્રિલથી અમલ અને ટીસીએસ અંગેના નિયમોમાં ફેરફારની જાહેરાત કરીને સરકાર લોકોને રાહત આપવા માગે છે એવો દેખાવ ઊભો કરવા પ્રયત્ન કર્યો પણ તેનાથી લોકોને બહુ મોટી રાહત નથી. કરચોરોને સજાના બદલે દંડ લઈને છોડી દેવાની જાહેરાત ભાજપ સરકારની ભ્રષ્ટાચારીઓને નહીં છોડાય એવા દાવાને હાસ્યાસ્પદ ઠેરવનારી છે પણ કોઈએ તેની નોંધ જ નથી લીધી.
શેરબજાર સહિતની સિક્યુરિટીઝના ટ્રાન્ઝેક્શન પર લાગતો સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્સન ટેક્સ (એસટીટી) વધાર્યો તેમાં શેરબજારમાં કડાકો બોલી ગયો પણ તેની બહુ ચિંતા કરવા જેવી નથી. એસટીટી વધ્યો તેની અસર મર્યાદિત સમય માટે રહેશે કેમ કે શેરબજાર કોઈ એક પરિબળ પર આધાર રાખતું નથી. કાલે હકારાત્મક કશુંક બનશે એટલે શેરબજાર પાછું ધૂમ મચાવવા માંડશે.
પરંપરાવાદીઓને આ વાત સાંભળીને આંચકો લાગશે પણ છેલ્લાં કેટલાંક વરસોનાં બજેટ જોશો તો સમજાશે કે બજેટ હવે આઉટડેટેડ વિચાર બની ગયો છે. ઈન્કમટેક્સ સિવાયની બીજી કોઈ બાબત સામાન્ય લોકોને સ્પર્શતી નથી ને લોકોને રસ પણ પડતો નથી એ જોતાં ખાલી ઈન્કમટેક્સ માટે થઈને બજેટની બધી તામઝામન કરવાની જરૂૂર જ નથી. પહેલાં બજેટ વિશે ભારે ઉત્સુકતા રહેતી કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા નવી યોજનાઓ કે કરવેરાને લગતી મોટી જાહેરાતો બજેટમાં જ કરાતી.
હવે ચીજવસ્તુઓ અને સેવાઓ માટે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવી ગયો છે ને કઈ ચીજ કે સેવા પર કેટલો જીએસટી લગાવવો તેનો નિર્ણય એકલી કેન્દ્ર સરકાર નથી લેતી પણ રાજ્ય સરકારોના નાણાં મંત્રી અને કેન્દ્રીય નાણાં મંત્રીની બનેલી જીએસટી કાઉન્સિલ લે છે. આ જીએસટી કાઉન્સિલની વરસમાં ચાર વાર બેઠકો મળે છે. આ બેઠકોમાં જીએસટીમાં ફેરફારના નિર્ણયો લેવાઈ જાય છે તેથી બજેટમાંથી ચીજવસ્તુઓ અને સેવાઓ પરના ટેક્સનો આંકડો જ નિકળી ગયો છે.
કસ્ટમ્સ અને એક્સાઈઝ અંગેના નિર્ણયો પણ વૈશ્વિક સ્થિતિના આધારે લેવાય છે. હવે આયાત થતી ચીજો પરના રેટ પણ એકસરખા નથી હોતા પણ દેશ પ્રમાણે બદલાય છે. કોઈ દેશ સાથે સંબંધો સારા હોય ત્યારે એ દેશમાંથી થતી આયાત ચીજ પરથી ડયુટી નાબૂદ થઈ જાય કે ઘટી જાય ને બીજા દેશમાંથી આવતી એ જ ચીજ પર ઊંચો ટેક્સ હોય એવું બને છે. આપણે યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કર્યો તેમાં યુરોપિયન યુનિયનના દેશોની વાઈન કે કાર પર ઓછો ટેક્સ લઈશું ને યુરોપમાં જ આવેલા યુકેથી આવતી કાર કે વાઈન પર વધારે ટેક્સ લઈશું. કસ્ટમ્સના રેટ તો આપણાં ઉત્પાદનોનાં હિતો જાળવવા માટે પણ વરસમાં ઘણી વાર બદલવા પડે છે એ જોતાં બજેટમાંથી તેનો પણ આંકડો નિકળી ગયો છે.
