ઉજજૈનમાં કરોડોના જમીન કૌભાંડ છતાં મોહન યાદવનો વાળ વાંકો નહીં થાય

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ તથા તેમના પરિવારનાં જમીન કૌભાંડનો ભાંડો ફૂટતા ખળભળાટ મચ્યો છે. ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે જાણીતા દેશના ટોચના અંગ્રેજી અખબારના રિપોર્ટ…

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ તથા તેમના પરિવારનાં જમીન કૌભાંડનો ભાંડો ફૂટતા ખળભળાટ મચ્યો છે. ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે જાણીતા દેશના ટોચના અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે, મોહન યાદવ તથા તેમના પરિવારના સભ્યોએ ઝડપથી વિકસી રહેલા ઉજજૈનમાં હાઈવે તથા બીજા મહત્ત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત પહેલાં તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જમીનો ખરીદીને અને પછી આ જમીનો પર પ્રોજેક્ટસ ડેવલપમેન્ટના કરાર કરીને જંગી ભ્રષ્ટાચાર આચર્યો છે. મોહન યાદવનાં પત્ની સીમા યાદવ, પુત્ર વૈભવની પત્ની શાલિની, ભાઇઓ નંદલાલ અને નારાયણ, નારાયણની પત્નિ રેખા અને પુત્ર અભય, કાકાના દીકરા એટલે કે પિતરાઈ ભાઈઓ નીલેશ અને ગોવિંદ યાદવનાં નામે ખરીદાયેલી લગભગ દોઢસો એકર જેટલી જમીન નવા બનનારા હાઈવે તથા બીજા રસ્તાઓની નજીક છે.

આ જમીનોની ખરીદી પછી તરત હાઈવે-રોડની જાહેરાત થઈ તેથી જમીનોના ભાવ વધી ગયા. એ પછી યાદવ પરિવારે ચાર અલગ અલગ રીયલ એસ્ટેટ કંપનીઓ સાથે જમીન ડેવલપ કરીને પ્રોજેક્ટ્સ તૈયાર કરવાના કરાર કરી નાખ્યા. બે વર્ષમાં રીયલ એસ્ટેટ કંપની રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બાંધકામ કરી નાખે પછી 65 ટકાથી વધારે તૈયાર માલ યાદવ પરિવારને આપવાનો રહે ને યાદવ પરિવાર તેનો ઉપયોગ પોતાના માટે કે વેચાણ માટે કરી શકે એવા કરાર કરાયા છે. યાદવ પરિવારે લગભગ 45 કરોડમાં ખરીદેલી આ જમીન પર બનનારા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ રીટેઈલ માર્કેટમાં પાંચેક હજાર કરોડ રૂૂપિયા કરતાં વધારેમાં વેચાશે એવો અંદાજ છે.

ઉજજૈનના વિકાસ માટેનો ઉજજૈન માસ્ટર પ્લાન 2023માં બહાર પડાયો એ પહેલાંથી મોહન યાદવે મોટા પ્રમાણમાં જમીનો ખરીદી હતી. માસ્ટર પ્લાન બહાર પડાયો તેમાં રોડ-રસ્તા ક્યાં બનશે એ નક્કી નહોતું કરાયું. યાદવ 2024ના જાન્યુઆરીમાં મુખ્યમંત્રી બન્યા પછી એ નક્કી થયું પણ એ પહેલાં યાદવ પરિવારે ધડાધડ જમીનો ખરીદવા માંડી હતી. મોહન યાદવ મુખ્ય પ્રધાન બનતાં જ યાદવ પરિવારે પહેલાં ને પછી ખરીદેલી બધી જમીનોની આસપાસ હાઈવ-રોડ બનાવવાનું એલાન કરી દેવાયું તેમાં યાદવ પરિવારને ઘી-કેળાં થઈ ગયાં. મોહન યાદવે દેખીતી રીતે જ કૌભાંડ કર્યું એ સ્પષ્ટ છે પણ આપણે ત્યાં આ પ્રકારનાં કૌભાંડોની નવાઈ નથી. ભારતમાં સત્તામાં બેઠેલા મોટા ભાગના મુખ્ય પ્રધાનો જમીન કૌભાંડો કરે છે ને માલદાર થાય જ છે. ભાજપ, કોંગ્રેસને પ્રાદેશિક પક્ષોના ઘણા નેતા આવાં કૌભાંડો કરીને માલદાર બનેલા જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *