બંગાળની ખાડીમાં સર્જાયેલું ’ડીપ ડિપ્રેશન’ (તીવ્ર હવામાન પ્રણાલી) ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના કિનારાને પાર કરવા માટે આગળ વધી રહ્યું છે. આ સાથે જ અત્યંત ભારે વરસાદ અને અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) આવવાની ચેતવણી આપવામાં આવી છે.
આ ’ડીપ ડિપ્રેશન’ બુધવાર રાત સુધીમાં વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચેના કિનારાને પાર કરે તેવી શક્યતા છે. IMD એ દક્ષિણ ઓડિશામાં ખૂબ ભારેથી અત્યંત ભારે વરસાદની ચેતવણી આપી છે અને આંધ્ર પ્રદેશમાં અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) માટે ’રેડ એલર્ટ’ જાહેર કર્યું છે.
કિનારા સાથે અથડાતા પહેલા પવનની ગતિ 55-65 કિમી/કલાક અને ઝાપટાં સાથે 75 કિમી/કલાક સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD )ની તાજેતરની ચેતવણી મુજબ, આ ’ડીપ ડિપ્રેશન’નું કેન્દ્ર કલિંગપટનમ (આંધ્ર પ્રદેશ)થી 70 કિમી, ગોપાલપુર (ઓડિશા)થી 150 કિમી, પુરી (ઓડિશા)થી 230 કિમી અને વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)થી 150 કિમી પૂર્વ દિશામાં સ્થિત છે.
આ પ્રણાલી આગળ વધવાનું ચાલુ રાખશે અને બુધવાર રાત સુધીમાં ’ડીપ ડિપ્રેશન’ સ્વરૂૂપે ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓડિશાના કિનારાને (વિશાખાપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે) પાર કરે તેવી પ્રબળ શક્યતા છે. તેની અસર હેઠળ, સોમવારથી દક્ષિણ અને દરિયાકાંઠાના ઓડિશાના મોટા ભાગમાં ભારેથી ખૂબ ભારે વરસાદ નોંધાયો છે. જોકે, IMD એ હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે આ ’ડીપ ડિપ્રેશન’ વધુ તીવ્ર બનીને ચક્રવાતમાં ફેરવાશે કે નહીં.
