સોમવારે કોક્રોચ જનતા પાર્ટી દ્વારા સંસદ કુચમાં હજારો યવુાનો જોડાયા અને છેક સુધી ગંતવ્ય સ્થાને પહોંચી ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડીયામાં નીટ પરીક્ષા લીક અને શિક્ષણ પ્રધાનના રાજીનામાની ઝુંબેશ જમીન પર ફેલાશે એનો સરકારને ખ્યાલ આવી શકયો ન હોતો. સમગ્ર દેશનું ફોકસ સીજેપી આંદોલન અને પોલીસની કહેવાતી બર્બરતા પર છે ત્યારે સરકારે વરિષ્ઠ પ્રધાનોને આંદોલનકારી નેતાઓ સાથે ચર્ચા કરવા મંજુરી આપી હતી.
ત્યારપછી જેમની ઉપેક્ષા કરવામાં આવી હતી તે અનશનથી આંદોલનનો ચહેરો બનેલા સોનમ વાંગચુકને વેદાંતા હોસ્પિટલમાં મળવા જે.પી. નડ્ડા અને જિતેન્દ્રસિંહ પહોંચ્યા હતા એટલુ જ નહીં જે.પી. નડ્ડા અને જિતેન્દ્રસિંહ જેવા સિનિયર નેતા મંત્રીઓ, ઇજાગ્રસ્તોની તબીયતના સમાચાર જાણવા હોસ્પિટલે મોકલ્યા હતા. અત્યારસુધી ચુપ રહેલા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ વિસ્તૃત નિવેદન આપ્યું છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી અચાનક ધરણા પર ઉતરતા જીતેન્દ્રસિંહ તેમને મળવા પહોંચ્યા હતા અને સંસદમાં આ મુદ્દે ચર્ચા કરાવવાની ઓફર કરી હતી. આ બધું સુચવે છે કે સરકાર હવે આગ ઠારવા બેવડા મોરચે કામ કરી રહી છે. વિદ્યાર્થીઓ તરફ સહાનુભુતિ અને કોંગ્રેસ સામે સખત રાજકીય પ્રહારો વ્યુહનીતિનો ભાગ છે.
શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે. સરકારની જવાબદારી તરફ ઈશારો કરતા તેમણે કહ્યું, “આપણે યુવાનો અને વિદ્યાર્થીઓ માટે તેમના ગુસ્સા કરતાં વધુ કરવાની જરૂૂર છે.” પ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દિલ્હીમાં CJP અને કોંગ્રેસ પાર્ટી સહિત અનેક પક્ષોના નેતાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો રસ્તા પર ઉતરી આવ્યા છે. આજે વડા પ્રધાનના નિવાસસ્થાન પાસે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રધાને કહ્યું, “અમારી સરકાર નીટ પર ચર્ચા કરવા અને ગૃહમાં આપણા યુવાનોની દરેક વાસ્તવિક ચિંતાને સંબોધવા માટે 100% પ્રતિબદ્ધ છે. ભારતના વિદ્યાર્થીઓ રાજકીય ઝુંબેશમાં પ્યાદા બનવા કરતાં વધુ સારા લાયક છે. તેઓ અરાજકતાને બદલે નિશ્ચિતતા, સૂત્રોચ્ચારને બદલે ઉકેલો અને મૂંઝવણને બદલે જવાબદારીને લાયક છે.”
શિક્ષણ મંત્રીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે સરકાર દ્વારા વ્યાપક ચર્ચા માટે તૈયારીઓ કરવામાં આવી હોવા છતાં, કોંગ્રેસ પાર્ટીએ લોકશાહી ચર્ચા કરતાં રાજકીય તમાશો પસંદ કર્યો. તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માટે ઉકેલ શોધવાનો નહીં, પરંતુ રાજકીય હેડલાઇન્સ માટે વિક્ષેપો પેદા કરવાનો હતો. પ્રધાને વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓના હિત માટે બોલતા નથી. ચર્ચા માટે વાસ્તવિક તક હોવા છતાં તેઓ સંઘર્ષ પેદા કરવા માંગે છે.
પ્રધાને કોંગ્રેસ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર વિદ્યાર્થીઓનું શોષણ કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ ચોમાસા સત્ર દરમિયાન “વિક્ષેપો પેદા કરવા” માટે વિદ્યાર્થીઓનો રાજકીય યુક્તિ તરીકે ઉપયોગ કરી રહી છે. કોંગ્રેસના વિરોધમાં સુરક્ષા પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું, જેના કારણે સામાન્ય લોકોને અસુવિધા થઈ.
