સેન્સેક્સ ખૂલતાની સાથે જ 2000 અંક તૂટ્યો, નિફ્ટીમાં પણ 600 પોઈન્ટનું ગાબડું, ડોલર સામે રૂપિયો 93.13ના રેકોર્ડ બ્રેક તળિયે, ક્રૂડ 112 ડોલરને પાર
ઈરાન યુદ્ધ વધુ આક્રમક બનતા ભારત સહિત વિશ્વના શેર બજાર ધરાશયી થયા છે. ગઈકાલે રાત્રે અમેરિકાની શેર માર્કેટમાં મોટા ગાબડા પડ્યા બાદ આજે ભારતના શેર બજારમાં પણ કડાકા બોલી ગયા હતા. માર્કેટની ખુલતાની સાથે જ સેન્સેક્સ 2000 પોઇન્ટ અને નિફ્ટી 600 પોઇન્ટ તૂટી જતા ભારતીય માર્કેટમાં મોટી અફડાતફડી જોવા મળી હતી. સેન્સેક્સ અને સાથે સાથે બેંક નિફ્ટીમાં પણ 1800 પોઇન્ટ નું મોટું ગાબડું પડતા રોકાણકારોના અબજો રૂૂપિયાનું ધોવાણ ગણતરીની મિનિટમાં થઈ ગયું હતું. બ્રેન્ટ ક્રૂડના વધતા જતા ભાવ અને ડોલર સામે ભારતનો રૂૂપિયો વધુ નબળો પડીને 93.13 પર પહોંચતા તેની અસર શેરબજારમાં પણ જોવા મળી છે.
ઈરાન ઇઝરાયેલ એન્ડ અમેરિકા વચ્ચેના યુદ્ધ વધુ આક્રમક બનતા અને ઈરાન દ્વારા કતારની ગેસ પાઇપલાઇન પર ના હુમલાને કારણે વિશ્વભરના શેરબજારને હચમચાવી દીધો છે. યુદ્ધની પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ ના પગલે ગતરાત્રે અમેરિકી શેરબજારમાં પણ મોટા કડાકા જોવા મળ્યા હતા ડાઉજોન્સ 768 અને 327 પોઇન્ટ તૂટી જતા અમેરિકી માર્કેટ પણ હચમચી ગયું હતું.
અમેરિકા શેરબજારના પગલે પગલે ભારતીય શેર બજારમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી હતી સેન્સેક્સ ઉઘડચાની સાથે જ 2000 પોઇન્ટ અને નિફ્ટી 605 તૂટી જતા તમામ મુખ્ય શેર માં 2 થી 6 % નીચે જતા રહ્યા છે. એચડીએફસી બેંક પણ ખૂલતાની સાથે જ 10% નીચે જતા બેન્કિંગ સ્ટોકમાં પણ મોટા ગાબડા પડ્યા હતા . એચડીએફસી બેન્કના ચેરમેને અચાનક રાજીનામું આપી દેતા બેંકમાં ગેરરીતિ થયાના સમાચારો વહેતા થતા બેંકમાં 10% નું મોટું ગાબડું પડ્યું છે. જોકે બેંક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ રાજીનામથી બેંકની વહીવટી કાર્ય પદ્ધતિમાં કોઈ ફેરફાર થશે નહીં.
એક બાજુ યુદ્ધ અને બીજી બાજુ ક્રૂડના ભાવ પણ ભડકે બળતા તેની અસર વિશ્વભરના અર્થતંત્ર ઉપર પડી રહે છે જેમાંથી શેર બજાર પણ બાકાત નથી બ્રેન્ડ ક્રુડનો ભાવ 112 ડોલરે પહોંચતા એનર્જી સેક્ટરમાં પણ મોટા ગાબડા પડ્યા છે. જેની અસર વિશ્વભરના શેર બજાર પર જોવા મળી રહી છે જર્મની શેર માર્કેટમાં પણ મોટું નુકસાન જોવા મળ્યું છે. તો બીજી બાજુ જાપાનના સ્ટોક માર્કેટ માં 1700 પોઇન્ટ નું મોટું નુકસાન આજે જોવા મળ્યું છે. હોંગકોંગ શેર બજાર 432 નીચે અને સિંગાપુર સ્ટોક એક્સચેન્જ પણ 530 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યું છે.
શેરબજારની સાથે સોના-ચાંદી પણ તૂટ્યા
ભારતીય શેરબજારમાં મોટા કડાકા બોલી ગયા બાદ આજે સોના ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યા છે. ગઈકાલે રાત્રે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયા બાદ આજે પણ સોનું વધુ રૂૂપિયા 1000 તૂટ્યું છે અને હાલ વાયદા બજારમાં સોનું 152,000 પર જોવા મળી રહ્યું છે જ્યારે રાજકોટની બજારમાં સોનાનો ભાવ ₹1,57,000 જોવા મળી રહ્યો છે ચાંદીમાં પણ આજે ઉઘડતાની સાથે જ ₹4,000 નો વધુ કડાકો જોવા મળ્યો છે. હાલ વાયદા બજારમાં ચાંદી 2,44,100 અને રાજકોટની બજારમાં હાજર ભાવ 2,50,600 જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટીને 4850 અને ચાંદી 75.60 ડોલર પર પહોંચી છે.
