Site icon Gujarat Mirror

ભાવનગરમાં વાતાવરણમાં પલટો: ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રી

ભાવનગર શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં આજે બપોરે અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. ગરમીની વચ્ચે જનતા જ્યારે અકળામણ અનુભવી રહી હતી, ત્યારે અચાનક આકાશ વાદળોથી ઘેરાયું હતું અને જોતજોતામાં ગાજવીજ તથા તેજ પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ અણધાર્યા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) અને હવામાં સર્જાયેલા દબાણના ફેરફારને કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં આ પ્રકારનો અચાનક બદલાવ આવ્યો છે.

ભાવનગરમાં પણ તેની સીધી અસર જોવા મળી હતી. નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા અગાઉ જ ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને 60 થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી હતી.

અચાનક આવેલા આ કમોસમી વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાયા હતા, જ્યારે બીજી તરફ ખેતી પાકોને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Exit mobile version