ધોરાજીથી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
નાના મવા વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સુકૂન હોમ્સ એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય હિરેનકુમાર પ્રવીણભાઈ ખાંટ (પટેલ) ગત તારીખ 22-12ના રોજ પોતાના સામાજિક અને વ્યવહારિક કામકાજ અર્થે ધોરાજી ગયા હતા. ધોરાજીથી પોતાનું કામ પૂર્ણ કરીને તેઓ પરત રાજકોટ આવી રહ્યા હતા, તે દરમિયાન વીરપુરના ઉમરાડી ગામ નજીક અચાનક તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે હિરેનકુમારને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા હિરેનકુમારની સ્થિતિ નાજુક હોવાથી તબીબો દ્વારા તેમને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, માથાના ભાગની ગંભીર ઈજા જીવલેણ સાબિત થઈ હતી. લાંબી સારવારના અંતે તેમણે હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો.આ સમાચાર મળતા જ તેમના પરિવારમાં અને સ્નેહીજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગેની જાણ થતા સ્થાનિક પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક હિરેનકુમાર વ્યવસાયે સ્કૂલ બસ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ સ્વભાવે મિલનસાર અને પરિશ્રમી હતા. તેમના નિધનથી પરિવારે એક કમાનાર અને આધારસ્તંભ વ્યક્તિ ગુમાવ્યો છે. સંતાનમાં તેમને બે દીકરાઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે કરુણાંતિકા સર્જાઈ છે.

