Site icon Gujarat Mirror

રંગોલી પાર્કમાં ઘરનો સામાન બદલતી વેળાએ પાર્કિંગમાંથી 1.75 લાખની મતાની ચોરી

કાલાવડ રોડ પર આવેલી રંગોલી પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાન બદલાવતી વખતે એક ચોરીની ઘટના સામે આવી છે. ફરિયાદી હિરેનભાઈ ગોવિંદભાઈ ચાવડા, જેઓ વ્યવસાયે મેડિકલ રિપ્રેઝન્ટેટિવ છે, ગત 5 એપ્રિલ 2026ના રોજ પોતાનો ઘરવખરીનો સામાન સીતાજી ટાઉનશીપથી નવા ભાડાના મકાન રંગોલી પાર્ક ખાતે ટ્રાન્સફર કરી રહ્યા હતા. સાંજે આશરે 4:00 વાગ્યાની આસપાસ જ્યારે સામાન બોલેરો ગાડીમાંથી ઉતારીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખવામાં આવ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમે તકનો લાભ ઉઠાવી સામાનમાં રાખેલા પત્નીના બે પર્સની ચોરી કરી લીધી હતી. આ પર્સમાં સોનાના કિંમતી દાગીના અને રોકડ રકમ રાખેલી હતી, જે સામાન ઘરના 13મા માળે ગોઠવતી વખતે ગુમ હોવાનું જણાયું હતું.

ચોરી થયેલા મુદ્દામાલની વિગતો મુજબ, લાલ અને વાદળી રંગના બે પર્સમાં કુલ 16 ગ્રામ સોનાના દાગીના હતા. જેમાં 6 ગ્રામની ત્રણ લેડીઝ સોનાની વિંટીઓ (કિ. રૂૂ. 70,000), 2 ગ્રામની એક જેન્ટ્સ સોનાની વિંટી (કિ. રૂૂ. 20,000), અને પેંડલ સાથેનો 8 ગ્રામનો સોનાનો ચેઈન (કિ. રૂૂ. 80,000) સામેલ હતા. આ દાગીનાની કુલ કિંમત અંદાજે રૂૂ. 1,70,000 ગણવામાં આવી છે. આ ઉપરાંત પર્સમાં રૂૂ. 5,000ની રોકડ રકમ પણ હતી, આમ કુલ રૂૂ. 1,75,000ની મતાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ઘટના અંગે હિરેનભાઈ ચાવડાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોઘાભાઈ રામભાઈ ભરવાડને સોંપવામાં આવી છે. ફરિયાદ પક્ષ દ્વારા પોતાની રીતે તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતા આખરે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Exit mobile version