ગુજરાત

કોથળામાંથી બિલાડું નીકળ્યું : લાખાજીરાજ માર્કેટ હેરિટેજ છે, નોટિસો રદ

Published

on

જર્જરિત માર્કેટ ખાલી કરવા 104 ધંધાર્થીઓને નોટિસો આપ્યા બાદ ધારાસભ્ય કાનગડે કોર્પોરેશનને ભાન કરાવતા પારોઠના પગલા

હવે મહાનગરપાલિકા પોતાના ખર્ચે માર્કેટ રીપેર કરી થડા પરત આપશે : વેપારીઓને લેખિત ખાતરી અપાતા વિવાદનો અંત

મહાનગરપાલિકા દ્વારા જર્જરીત થઈ ગયેલ લાખાજીરાજ શાક માર્કેટ તોડી પાડવા માટે તેમાં બેસતા 104 ધંધાર્થીઓને ખાલી કરવાની નોટીસ આપી હતી. જેનો ભારે વિરોધ થયા બાદ આજે દારાસભ્ય ઉદયભાઈ કાનગડની અધ્યક્ષતામાં તમામ થડાધારકોએ કોર્પોરેશન કચેરી ખાતે આવી સ્ટેન્ડીંગ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરે રજૂઆત કરી જણાવેલ કે, આ શાકમાર્કેટ હેરીટેજની વ્યાખ્યામાં આવે છે માટે તોડી શકાય નહીં ફકત રિપેર જ થઈ શકે આથી તંત્રએ પોતાના ખર્ચે શાક માર્કેટનું રિપેરીંગ કરી હાલના તમામ થડાધારકોને પરત થડા તેમજ દુકાનો સોંપવાની લેખીતમાં ખાતરી આપતા વિવાદનો અંત આવ્યો હતો.

મહાનગરાપલિકાએ ગઈકાલે લાખાજીરાજ શાકમાર્કેટના 104 થડાધારકોને નોટીસ આપી પાંચ દિવસમાં શાકમાર્કેટમાં ખાલી કરવાની સુચના આપી હતી. જેનો ભારે વિરોધ થયો હતો. અને આ શાકમાર્કેટ રાજાશાહી વખતનો હોવાથી અને હેરીટેજમાં આવતું હોય તોડી શકાય નહીં તેમ જણાવ્યું હતું. અને આ મુદ્દે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડને રજૂઆત કરતા તેઓ આજે તમામ થડાધારકો સાથે કોર્પોરેશનની સેન્ટ્રલઝોન કચેરી ખાચે આવી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી જણાવેલ કે, હેરીટેજમાં આવતી મિલ્કતો તોડી શકાતી નથી. તેની જાળવણી કરવાની ફરજ તંત્રની રહે છે.

આથી લાખાજીરાજ શાકમાર્કેટ પણ હેરીટેજમાં આવતી હોય તોડી શકાય નહીં ફક્ત રિપેર થઈ શકે આથી તંત્રએ હવે તા. 29થી લાખાજીરાજ શાકમાર્કેટનું રિપેરીંગ કામ શરૂ કરવામાં આવશે તેમ જણાવી તુરંત ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાની સુચના આપી હતી. તેવી જ રીતે હાલ રેકર્ડ ઉપર રહેલા તમામ થડા તથા વખાર અને દુકાનોના વેપારીઓને તે સ્થાને જ તેમની જગ્યા પરત આપવામાં આવશે તેવી લેખીતમાં ખાતરી આપી હતી.


લાખાજીરાજ શાકમાર્કેટની માફક વિજય પ્લોટમાં આવેલ વર્ષો જૂની શાકમાર્કેટ તેમજ જૂના માર્કેટમાં પણ એક-બે શાકમાર્કેટ જર્જરીત હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આથી બાંધકામ વિભાગે આ શાકમાર્કેટને નોટીસ આપી છે કે કેમ તે જાણવા મળેલ છે કે કેમ આથી લાખાજીરાજ શાકમાર્કેટનો વિવાદ પૂર્ણ થઈ ગયો છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય શાકમાર્કેટોનું પણ રિનોવેશન કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version