CAIEએ ‘A’ લેવલની ગણિત-ફિઝિક્સની પરિક્ષા રદ કરી, વિશ્ર્વભરના વિદ્યાર્થીઓને અસર
હાલના સમયમાં પેપર લીક એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં NEET પેપર લીકના વિવાદ વચ્ચે, હવે દુનિયાના ટોચના પરીક્ષા બોર્ડમાંના એક ’કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ’ પણ પેપર લીકના વિવાદમાં ફસાઈ ગયું છે. કેમ્બ્રિજની A-લેવલ પરીક્ષા દરમિયાન ગણિત અને ફિઝિક્સના પ્રશ્નપત્રો લીક થયા હોવાની માહિતી મળી છે. આ મામલો સોશિયલ મીડિયા પર એટલી ઝડપથી ફેલાયો કે કેમ્બ્રિજ એસેસમેન્ટ ઇન્ટરનેશનલ એજ્યુકેશન (CAIE)એ તરત જ કડક પગલાં લેવા પડ્યા.
આ સમગ્ર મામલાનું કેન્દ્ર પાકિસ્તાનને માનવામાં આવી રહ્યું છે, જ્યાંથી પેપર લીકની શરૂૂઆત થઈ અને થોડા જ સમયમાં તેનો કનેક્શન ગ્લોબલ લેવલ સુધી પહોંચી ગયો. પેપર લીકની પુષ્ટિ થતાં જ કેમ્બ્રિજ બોર્ડે અસરગ્રસ્ત A-લેવલ ગણિત અ AS-લેવલ ફિઝિક્સની પરીક્ષા તરત જ રદ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી માત્ર પાકિસ્તાન જ નહીં, પણ દુનિયાભરના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધૂરું રહી ગયું છે, જેમણે મહિના-મહિના સુધી પરીક્ષાની તૈયારી કરી હતી. હવે વિદ્યાર્થીઓના માર્ક્સનું મૂલ્યાંકન ’સરેરાશ ફોર્મ્યુલા’ના આધારે કરાશે, જેને લઈને વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ બંને ભારે માનસિક દબાણમાં છે.
લીક થયેલા પ્રશ્નપત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ધડાધડ શેર કરવામાં આવ્યા. ઘણા વિદ્યાર્થીઓએ સ્ક્રીનશોટ શેર કરીને દાવો કર્યો કે જે પેપર ઓનલાઈન ફરતું હતું, એ જ પ્રશ્નો પરીક્ષા હોલમાં આવ્યા હતા. જ્યારે આ વાત ઝડપથી ફેલાઈ અને પુરાવા કેમ્બ્રિજ બોર્ડ સુધી પહોંચ્યા, ત્યારે બોર્ડે તરત આંતરિક તપાસ શરૂૂ કરી અને પરીક્ષામાં ગંભીર ખોટ આવી હોવાનું સ્વીકારી લીધું હતું.
નોંધનીય છે કે, કેમ્બ્રિજ બોર્ડના આ નિર્ણયથી દુનિયાભરના વિદ્યાર્થીઓ, ખાસ કરીને દક્ષિણ એશિયાના વિદ્યાર્થીઓ ભારે તણાવમાં છે. અ-લેવલના માર્ક્સ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, કારણ કે એના આધારે જ તેમને બ્રિટન, અમેરિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં સીધો પ્રવેશ મળે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે મેથ્સ અને ફિઝિક્સ જેવા વિષયોમાં એક પેપર ખરાબ થવાથી કે ન થવાથી તેમનું આખું ગ્રેડિંગ સિસ્ટમ બગડી શકે છે.
