સંસદના બજેટ સત્રનો પ્રારંભ, કાલે આર્થિક સરવે રજૂ થશે

રાષ્ટ્રપતિનું બન્ને ગૃહોને સંયુક્ત સંબોધન, બે તબક્કામાં યોજાશે સત્ર, રવિવારે નાણામંત્રી રજૂ કરશે બજેટ સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના બંને ગૃહોની સંયુક્ત બેઠકને…

રાષ્ટ્રપતિનું બન્ને ગૃહોને સંયુક્ત સંબોધન, બે તબક્કામાં યોજાશે સત્ર, રવિવારે નાણામંત્રી રજૂ કરશે બજેટ

સંસદનું બજેટ સત્ર આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે શરૂૂ થશે. દેશના સંસદીય ઇતિહાસમાં આ પહેલી વાર બનશે કે રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. 1 ફેબ્રુઆરી (રવિવાર) ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત નવમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પછી આવતીકાલે ગુરૂવારે આર્થિક સર્વે રજુ કરવામાં આવશે, જે આ વખતે બજેટના ત્રણ દિવસ પહેલા રજુ કરવામાં આવી રહ્યો છે.

આ એક નવો પ્રયોગ પણ માનવામાં આવે છે. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ સરકારની સિદ્ધિઓ તેમજ ભવિષ્યની નીતિ અને પ્રાથમિકતાઓ માટે બ્લુપ્રિન્ટ રજૂ કરશે. બજેટ પહેલાં પરંપરાગત હલવા સેરેમની નોર્થ બ્લોકમાં યોજાઈ હતી. જેમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે હાજરી આપી હતી. આ સમારોહ બજેટ દસ્તાવેજોની ગુપ્ત પ્રક્રિયાની ઔપચારિકની શરૂૂઆત દર્શાવે છે.

બજેટ સત્રને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પહેલો તબક્કો આજથી શરૂૂ થઈને 13 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ પછી સત્ર મુલતવી રાખવામાં આવશે, અને બીજો તબક્કો 9 માર્ચથી શરૂૂ થઈને 2 એપ્રિલ સુધી ચાલુ રહેવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન સંસદીય સમિતિઓ બજેટ દરખાસ્તોની સંપૂર્ણ સમીક્ષા કરશે. આ વખતે કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ કરવામાં આવશે. સંસદના ઇતિહાસમાં આ એક દુર્લભ પ્રસંગ છે. સરકારે આ દિવસને સત્તાવાર રીતે “બજેટ દિવસ” તરીકે જાહેર કર્યો છે.

આ નિર્મલા સીતારમણનું સતત નવમું બજેટ હશે અને તેમના તરફથી મુખ્ય આર્થિક નિર્ણયો લેવાની અપેક્ષા છે.
લોકસભામાં હાલમાં નવ મહત્વપૂર્ણ બિલ પેન્ડિંગ છે, જેમાં ડેવલપ્ડ ઈન્ડિયા એજ્યુકેશન ફાઉન્ડેશન બિલ 2025, સિક્યોરિટીઝ માર્કેટ્સ કોડ 2025 અને બંધારણ સુધારા બિલ 2024નો સમાવેશ થાય છે. વધુમાં આ બજેટ એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક અર્થતંત્ર અમેરિકન ટેરિફ નીતિઓ અને આંતરરાષ્ટ્રીય અસ્થિરતાના દબાણ હેઠળ છે. બધાની નજર હવે નાણાકીય વર્ષ 2026-27 માટે સરકારના આર્થિક રોડમેપ પર છે. ફુગાવા, રોજગાર, માળખાગત સુવિધાઓ અને વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે આ બજેટને રાજકીય અને આર્થિક બંને દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

નાણામંત્રીની હલવા સેરેમની સાથે કોર ટીમ નોર્થ બ્લોકમાં લોક-ઈન

દેશના અર્થતંત્ર માટે સૌથી મહત્વના ગણાતા ’કેન્દ્રીય બજેટ’ માટે આજે સત્ર શરૂ થઈ ગયું છે. બજેટની પ્રક્રિયા તેના અંતિમ અને સૌથી ગુપ્ત તબક્કામાં પ્રવેશી ચૂકી છે. નાણા મંત્રાલયમાં પરંપરાગત ’હલવા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જાતે કઢાઈમાં હલવો તૈયાર કરીને અને સ્ટાફનું મોઢું મીઠું કરાવીને આ દાયકાઓ જૂની પ્રથાનું પાલન કર્યું હતું. આ પ્રસંગે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મીઠી સેરેમનીનો અર્થ એ છે કે હવે બજેટ પ્રિન્ટિંગ અને ફાઇનલ કરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂૂ થઈ ગઈ છે. આ સાથે જ બજેટ તૈયાર કરનારી કોર ટીમને નોર્થ બ્લોકમાં ’લોક-ઈન’ કરી દેવામાં આવી છે. આ શબ્દનો અર્થ એ છે કે અધિકારીઓ હવે થોડા દિવસો માટે દુનિયાથી કટ-ઓફ થઈ જશે. ગોપનીયતા જાળવવી એ બજેટનો સૌથી મહત્વનો ભાગ છે. જ્યાં સુધી સંસદમાં બજેટ રજૂ ન થાય, ત્યાં સુધી આ અધિકારીઓ પોતાના પરિવાર કે બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક કરી શકશે નહીં. મંત્રાલયની નવી ઓફિસ ’કર્તવ્ય ભવન’ માં પ્રિન્ટિંગ પ્રેસની સુવિધા ન હોવાથી, આ વખતે ટીમને નોર્થ બ્લોકના જૂના ભોંયરામાં ખસેડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *