BSNLના ડિરેક્ટરનો શાહી પ્રવાસ, 50 અધિકારીઓને ડ્યૂટી

રાજાશાહી ભલે ગઇ, સરકારી બાબુઓના ઠાઠ કાંઇ ઓછા નથી વિવેક બંજલનો પ્રયાગરાજના પ્રવાસ પહેલાં ‘સરભરા’નું લિસ્ટ વાયરલ થઇ જતાં ભારે હોબાળો અંડરવેરથી માંડી માલિસના તેલ…

રાજાશાહી ભલે ગઇ, સરકારી બાબુઓના ઠાઠ કાંઇ ઓછા નથી

વિવેક બંજલનો પ્રયાગરાજના પ્રવાસ પહેલાં ‘સરભરા’નું લિસ્ટ વાયરલ થઇ જતાં ભારે હોબાળો

અંડરવેરથી માંડી માલિસના તેલ સુધીની ‘કીટ’ની વ્યવસ્થા, સંચારમંત્રી જયોતિરાદિત્ય સિંધિયા પણ ચોંક્યા

ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના ડિરેક્ટર (સીએફએ) વિવેક બંજલનો પ્રયાગરાજ પ્રવાસ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ઓફિસ ઓર્ડરને કારણે રદ્દ કરવામાં આવ્યો છે. આ ઓર્ડરમાં પ્રવાસ માટે અત્યંત વિગતવાર અને ’શાહી’ વ્યવસ્થાઓનો ઉલ્લેખ હતો, જેને જોઈને લોકોમાં ભારે રોષ ફેલાયો અને તેને ’રાજા જેવી વ્યવસ્થા’ કહેવામાં આવી. પરિણામે બીએસએનએલે પ્રવાસ રદ્દ કરી દીધો અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે.

આ બે દિવસીય પ્રવાસ 25-26 ફેબ્રુઆરીએ નક્કી હતો. ઓફિસ ઓર્ડરમાં સંગમમાં સ્નાન, બોટ રાઈડ, હનુમાન મંદિર, અક્ષયવટ અને પાતાળપુરી મંદિરની મુલાકાતની વિગતો આપવામાં આવી હતી. આ માટે લગભગ 50 અધિકારીઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. હોટેલ અને સર્કિટ હાઉસમાં ડ્રાય ફ્રુટ્સ, ફળો, શેવિંગ કીટ, તૌલિયા, ટૂથપેસ્ટ, બ્રશ, સાબુ, શેમ્પૂ, કાંસકો અને તેલ જેવી વસ્તુઓની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. સંગમ સ્નાન માટે ’સ્નાન કીટ’માં તૌલિયા, અંડરવેર, ચપ્પલ, કાંસકો, દર્પણ અને તેલની બોટલનો સમાવેશ કરવામાં આવ્યો હતો પુરુષો માટે 6 કીટ અને મહિલાઓ માટે 2 કીટ તૈયાર કરવાના હતા.
આ ઓર્ડર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં આક્રોશ ફેલાયો. નેટીઝન્સે તેને ’મહારાજા લેવલ’નો પ્રવાસ કહીને વ્યંગ કર્યો અને પબ્લિક મનીના દુરુપયોગનો આરોપ લગાવ્યો. બીએસએનએલે ઝડપથી પ્રતિસાદ આપતાં એકસ પર જણાવ્યું કે અધિકારી પ્રવાસ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા છે, પરંતુ તેનું પાલન ન કરવામાં આવ્યું જે સંસ્થાના વ્યાવસાયિક માનદંડોની વિરુદ્ધ છે. જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને ભવિષ્યમાં નિયમોનું કડક પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ ઘટનાએ બીએસએનએલ જેવી પબ્લિક સેક્ટર કંપનીમાં વીઆઈપી કલ્ચર અને નિયમોના ઉલ્લંઘન પર ફરી ચર્ચા ઉભી કરી છે. વિવેક બંજલ 1987 બેચના ઇન્ડિયન ટેલિકોમ સર્વિસ અધિકારી છે અને ટેલિકોમ ફિલ્ડમાં 34 વર્ષથી વધુ અનુભવ ધરાવે છે. તેઓ બીએસએનએલના ’ભારત ફાઈબર’ (ઋઝઝઇં) અને આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

આ મામલે કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પ્રતિક્રિયા આપી છે અને તેને ’અસ્વીકાર્ય’ ગણાવીને શો-કોઝ નોટિસ જારી કરી છે. લોકોમાં આ ઘટના બાદ સરકારી અધિકારીઓના પ્રવાસ અને વ્યવસ્થાઓ પર વધુ ચર્ચા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *