બૂટલેગરોનો નવો કિમિયો: દારૂ ભરેલી કારને ટોઇંગ કરાવી રાજકોટ પહોંચાડી

પીસીબીની ટીમે માધાપર-બેડી બાયપાસ હાઇવે પરથી ઝડપી પાડી 480 બોટલ દારૂ કબજે કર્યો: બેની શોધખોળ શહેરમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અજમાવવામાં…

પીસીબીની ટીમે માધાપર-બેડી બાયપાસ હાઇવે પરથી ઝડપી પાડી 480 બોટલ દારૂ કબજે કર્યો: બેની શોધખોળ

શહેરમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અજમાવવામાં આવતા હોય છે. ત્યારે આજે પકડાયેલા દારૂમાં સાતીર બુટલેગર દ્વારા દારૂ ભરેલી કારને ટોઇંગ કરી રાજકોટ પહોંચાડવામાં આવી હતી. પરંતુ પીસીબીની ટીમે બુટલેગરના આ કિમીયાઓને નાકામ બનાવી નાખ્યો હતો. પોલીસે બાતમીના આધારે માધાપર- બેડી બાયપાસ હાઇવે પરથી ટોઇંગ કરેલી કારમાંથી 480 બોટલ દારૂ કબજે કરી બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ મયુર પાલરીયા, સંતોષ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, કોન્સ.કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરિમયાન જામનગર બાઇપાસ હાઇવે પર બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફ જતા રોડ પર એડીબી હોટલ પાસે ફીયાટ કંપનીની કાર ટોઇંગ ક્રેન પાછળ ટોઇંગ કરેલી હાલતમાં પડેલી હોય જેમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે તાત્કાલીક દોડી જઈ તપાસ કરતા બાતમી મુજબની ટોઇંગ કરેલી કાર મળી આવી હતી. પોલીસે કારની તલાસી લેતા પાછળની સીટમાં ચોર ખાનુ બનાવી તેમા છુપાવેલો વિદેશી દારૂના ચપલા નંગ 480 કિં.120240 મળી આવ્યો હતો. તેથી પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા 2020240નો મુદામાલ કબજે કર્યો હતો.

પોલીસે ટોઇંગ ક્રેનના ચાલક યોગેશ ઘનશ્યામભાઇ મકવાણાની પુછપરછ કરતા તેણે જણાવેલું કે કારમાં વિદેશી દારૂ હોવાની તેને કોઇ જાણકારી ન હતી. બગોદારા- તારાપુર ચોકડી ખાતે રાજકોટના મહેન્દ્ર હેમંતભાઇ નડીયાપરા મળ્યો હતો તેણે આ ફીયાટ કાર બંધ પડી ગઇ છે અને રાજકોટ પહોંચાડવાની છે તેમ જણાવી કાર ટોઇંગ કરાવી હતી અને બેડી બાયપાસ હાઇવે પર એડીબી હોટલ સામે તેનો માણસ જય અતુલભાઇ મકવાણા કાર લેવા આવશે તેમ જણાવ્યું હતું. જેથી પોલીસે દારૂ ભરેલી કાર કબજે કરી આ કાર મોકલનાર રાજકોટના મહેન્દ્ર નડીયાપરા અને કાર લેવા આવનાર જય અતુલભાઇ મકવાણા વિરૂધ્ધ પ્રોહીબીસન એકટ હેઠળ ગુનો નોંધી બન્નેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.