આણંદપર અને નવાગામમાં સરકારી જમીન પરના દબાણો પર ફરશે બુલડોઝર

રાજકોટ શહેર નજીક આવેલા આણંદપર અને નવાગામ ખાતે કરોડો રૂૂપિયાની સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર આગામી 22મી તારીખના રોજ કલેક્ટર તંત્ર દ્વારા મેગા…

રાજકોટ શહેર નજીક આવેલા આણંદપર અને નવાગામ ખાતે કરોડો રૂૂપિયાની સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર આગામી 22મી તારીખના રોજ કલેક્ટર તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તંત્રની આ લાલ આંખથી ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આણંદપર અને નવાગામ ખાતે આવેલ સર્વે નંબર 207 પૈકીની બે એકર જેટલી સરકારી જમીન પર છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર કબ્જો જમાવવામાં આવ્યો હતો. આ સરકારી જગ્યા પર દબાણકર્તાઓ દ્વારા 35થી વધુ પાકા મકાનો તેમજ ઈંટોના ભઠ્ઠા ઉભા કરી દઈને મોટા પાયે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો તાજેતરમાં કલેક્ટર તંત્રના ધ્યાને આવ્યો હતો.
તંત્ર દ્વારા શરૂૂઆતમાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂૂપે તમામ દબાણકર્તાઓને નોટિસ ફટકારીને સરકારી જમીન સત્વરે ખાલી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જોકે, નોટિસ મળ્યા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા દબાણ ખાલી કરવામાં આવ્યું ન હતું.

જેના પગલે હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા મામલતદાર દ્વારા આગામી 22 તારીખના રોજ આ તમામ દબાણો દૂર કરવા માટે ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને બુલડોઝરની મદદથી આ પાકા મકાનો અને ભઠ્ઠાઓ તોડી પાડીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે.