જાંબુઘોડા-હાલોલ નેશનલ હાઈવે નંબર 756 પર આવેલા ઝબાન ગામના મલબાર પાટિયા પાસે એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા ટેન્કરના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં, રસ્તા પરના વાહનો તથા પદયાત્રીઓને અડફેટે લઈ ટેન્કર માર્ગ કિનારે આવેલી ખાણીપીણીની દુકાનમાં ઘૂસી ગયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં દુકાન ચલાવતા દીપસંગભાઈ રાઠવા અને તેમની માસૂમ પુત્રી દેવાંશીનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજ્યું હતું.
ઘટના સમયે જાંબુઘોડા તરફથી આવતા ટેન્કરે સૌપ્રથમ સામેથી આવતી ટ્રક સાથે જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ પાવાગઢથી દર્શન કરીને મધ્યપ્રદેશ પરત ફરી રહેલા શ્રદ્ધાળુ પદયાત્રીઓની ગાડી તથા ચાલી રહેલા લોકોને અડફેટે લીધા હતા. આટલેથી ન અટકતાં ટેન્કર દીપસંગભાઈની દુકાનમાં ઘૂસી જતાં પિતા-પુત્રી તોતિંગ ટાયરો નીચે કચડાઈ ગયા હતા, જ્યારે રસોડામાં હાજર મૃતકના પત્નીનો આબાદ બચાવ થયો હતો.
આ અકસ્માતમાં મધ્યપ્રદેશના 9 જેટલા પદયાત્રીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવાની 4 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખસેડાયા હતા. ત્યાં 4 ડોક્ટરોની ટીમે પ્રાથમિક સારવાર આપી હતી, જે પૈકી વધુ ગંભીર હાલત ધરાવતા 6 ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા છે.
જાંબુઘોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક બંશીભાઈ ફતુ શીંગ ગેલોતને ઝડપી પાડ્યો. આ સાથે મૃતક પિતા-પુત્રીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વિધિવત રીતે પરિવારજનોને સોંપવાની તજવીજ ધરવામાં આવી છે.
