સુરતમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખની હત્યા

સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની…

સુરતના ઉધના રોડ નંબર 6 ખાતે ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા અને તેમની સાથે સતત સક્રિય રહેતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલના પુત્ર જય દલાલની ગઇકાલે(17 મે) રાત્રે અંદાજિત સાડા બાર વાગ્યાની આસપાસ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરવામાં આવી છે.

મૃતક જય દલાલ પોતે પણ ભાજપ સંગઠનમાં પદ ધરાવતો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે સક્રિયપણે પક્ષની કામગીરી સંભાળતો હતો. હત્યા થઈ તે દિવસે તેના એક મિત્રનો ફોન આવ્યો હતો. ત્યારબાદ તે મમ્મી હું મોડો આવવાનો છું, જમવાનું નથી, એમ કહીને ઘરેથી નીકળ્યો હતો. બાદમાં સીધો હોસ્પિટલમાંથી માતા પર ફોન ગયો હતો. સત્તાધારી પક્ષના એક યુવા પદાધિકારીની આ રીતે ધોળા દિવસે ક્રૂર હત્યા થઈ જતાં સમગ્ર રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

મૃતકની માતા જયશ્રીબેન નગીનભાઈ દલાલએ જણાવ્યું હતું કે, મારો છોકરો જય નગીનભાઈ દલાલ ગઇકાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો. એના કોઈ મિત્રએ એને ફોન કર્યો એટલે એને મને કીધું કે મમ્મી હું મોડો આવવાનો છું, જમવાનું નથી, એમ કહીને ગયો. મને સવા બારથી સાડા બારના વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ બધા ઘા લાગ્યા છે, એપલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

મિલિન ચકલી અને પંકજ પાટીલ કરીને ત્રણ હત્યારાઓએ મારા છોકરાની હત્યા કરી નાખીને ત્યાં જ લોહીલોહાણ કરી નાખ્યો હતો. અહીંયા આવ્યા પછી મારો છોકરો આટલું જ બોલ્યો કે મમ્મીને ફોન કરો, હું આવી તો મારા જોડે વાત પણ નહીં કરી. મારા છોકરાને ન્યાય મળવો જોઈએ, મારો એકનો એક જ છોકરો હતો, મારો છોકરો 21 વર્ષનો છે. તેની કોઈ જોડે દુશ્મની નહોતી.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી લોકો તો કેટલીય વાર જેલમાં આવે ને નીકળે છે, હમણાં પાસામાંથી બહાર નીકળ્યા છે. એમનું કહેવાનું એમ હતું કે મારા જયના કારણે તેમને પાસા થઈ, મારો જય કઈ પોલીસ છે કે મંત્રી છે? એ કેવી રીતનો પાસો કરી શકે? મારી એક જ માગ છે કે પ્રશાસન આરોપીઓને ફાંસીની સજા આપે જેથી બીજીવાર કોઇના છોકરા જોડે આવું ના કરે.

અઈઙ ચિરાગ વાડોદરિયાએ જણાવ્યું હતું કે, આજ રોજ રાત્રે આશરે સાડા બાર વાગ્યાની આજુબાજુ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા જય દલાલ નામના વ્યક્તિ તેમના મિત્રો સાથે રોડ નંબર 6 ઉપર આવેલી એક ભંગારની દુકાન પાસે ઊભા હતા. તે સમયે બાઇક (ટૂ-વ્હીલર) પર ત્રણ શખસો ત્યાં આવ્યા હતા, જેમની ઓળખ કિશન ઉર્ફે ચકલી સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી તરીકે થઈ છે.