જામનગર મનપામાં ભાજપની સુનામી: આઠ વોર્ડમાં ક્લીન સ્વીપ

વોર્ડ નં.12માં જેલના સળિયા પાછળથી કોંગ્રેસ-આપે એક-એક સીટ જીતી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ આજે રાજ્યભરનું ધ્યાન ખેંચ્યું છે. એકતરફ ભાજપે રજેરજમાં ભગવો લહેરાવીને ઐતિહાસિક વિજય…

વોર્ડ નં.12માં જેલના સળિયા પાછળથી કોંગ્રેસ-આપે એક-એક સીટ જીતી

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ આજે રાજ્યભરનું ધ્યાન ખેંચ્યું છે. એકતરફ ભાજપે રજેરજમાં ભગવો લહેરાવીને ઐતિહાસિક વિજય તરફ કૂચ કરી છે, તો બીજી તરફ વોર્ડ નંબર 12 ના પરિણામોએ લોકશાહીના ઇતિહાસમાં એક અનોખો કિસ્સો નોંધાવ્યો છે.

ભાજપનો ગઢ અકબંધ: સાતમી વખત સત્તા તરફ પ્રયાણ જામનગરના મતદારોએ ભાજપ પર અપાર વિશ્વાસ દર્શાવતા સતત આઠ વોર્ડમાં સંપૂર્ણ પેનલને વિજયી બનાવી છે. મતગણતરીના પ્રારંભથી જ ભાજપની સુનામી જોવા મળી હતી. વોર્ડ નંબર 2 સહિત અત્યાર સુધી જાહેર થયેલા તમામ આઠેય વોર્ડમાં ભાજપે ’ક્લીન સ્વીપ’ કરી વિપક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. આ પ્રચંડ જીત સાથે ભાજપ સતત સાતમી વખત જામનગર મહાનગરપાલિકામાં સત્તાનું સુકાન સંભાળવા જઈ રહ્યું છે.

જ્યારે આખા શહેરમાં ભાજપનો દબદબો જોવા મળ્યો, ત્યારે વોર્ડ નંબર 12 ના પરિણામોએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. આ વોર્ડમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી. અહીં સૌથી વધુ ચર્ચા ગુજસીટોક (GUJCTOC) હેઠળ જેલમાં બંધ બે ઉમેદવારોની થઈ રહી છે. અસલમ ખીલજી (AAP) જેલવાસ ભોગવી રહ્યા હોવા છતાં આમ આદમી પાર્ટીના બેનર હેઠળ વિજયી થયા. અલ્તાફ ખફી (કોંગ્રેસ) ગુજસીટોકના કેસમાં જેલમાં હોવા છતાં કોંગ્રેસની ટિકિટ પર જીત મેળવી.

આ વોર્ડમાં સત્તાની વહેંચણી સરખા ભાગે થઈ છે, જેમાં અઅઙ અને કોંગ્રેસ બંનેએ બબ્બે બેઠકો મેળવી છે. મહિલા ઉમેદવારોમાં અઅઙ ના જેનબબેન ખફી અને કોંગ્રેસના સહારાબેન મકવાણાએ પણ વિજય મેળવી વોર્ડમાં વિપક્ષનો પંજો અને ઝાડુ મજબૂત કર્યા છે.

સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો ઝળહળતો વિજય, સત્તા ફરી કબ્જે
જામનગર તાલુકાની સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખતાં સ્પષ્ટ બહુમતી સાથે ફરી સત્તા હાંસલ કરી છે. કુલ 28 બેઠકોમાંથી કોંગ્રેસે 16 બેઠકો જીતીને બહુમતી મેળવી છે, જ્યારે ભાજપે 9 બેઠકો મેળવી છે અને અન્ય (અપક્ષ) ઉમેદવારોએ 3 બેઠકો જીત્યાં છે.
ઉલ્લેખનીય છે કે સિક્કા નગરપાલિકામાં અગાઉ પણ કોંગ્રેસનું શાસન હતું, અને આ ચૂંટણી પરિણામોથી કોંગ્રેસ ફરી સત્તારૂૂઢ થવાની સ્થિતિમાં આવી ગઈ છે. સમગ્ર વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
આ પરિણામો દર્શાવે છે કે સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસ પ્રત્યે મતદારોનો વિશ્વાસ યથાવત્ રહ્યો છે અને પક્ષે પોતાની રાજકીય પકડ મજબૂત રાખી છે. ભાજપ માટે આ પરિણામ પડકારરૂૂપ ગણાઈ રહ્યું છે, જ્યારે અન્ય ઉમેદવારોએ પણ પોતાની હાજરી નોંધાવી છે. સિક્કા નગરપાલિકાની આ ચૂંટણીનું પરિણામ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે, ખાસ કરીને એકમાત્ર આ નગરપાલિકામાં કોંગ્રેસે વિજય મેળવતા રાજકીય સમીકરણોમાં નવી ચહલપહલ જોવા મળી રહી છે.