સજ્જન ગણાતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખે ‘સાઇલન્ટ મોડ’માં લડી લીધું, મતદારોના દિલ જીતવામાં રહ્યા સફળ
રાજકોટ શહેર ભાજપ માટે આ વખતે અન્ડર કરન્ટ લોખંડના ચણા ચાવવા જેવા કેટલાક પડકારો હતા. ટીકીટ ફાળવણીને લઇને સિનિયર આગેવાનો સહિતના કેટલાક કાર્યકર્તાઓની નારાજગી, મતદારોની નિરસતા, કાળજાળ ગરમીનો માહોલ.. આવા અનેક પડકારોરૂૂપી સાત કોઠા વીંધીને સજ્જન ગણાતા શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે અગ્નિ પરીક્ષામાં પાસ થઇ ગયા છે. તેમની અત્યાર સુધીની રાજકીય સફરમાં મેળવેલા અનુભવ, કુનેહ અને કુશળતા નિચોવીને કરેલી બૂથ મેનેજમેન્ટ સુધીની મહેનત રંગ લાવી છે. પાર્ટીમાં જોડાયેલા નવા કાર્યકર્તાઓથી માંડી સિનિયર સહિત તમામને સાથે રાખીને ચૂંટણીના રણમેદાનમાં મહાનગરપાલિકામાં ભગવો લહેરાવવાનો જશ મેળવ્યો છે.
રાજકોટ શહેર ભાજપ સંગઠનમાં માધવ દવેની એન્ટ્રી થઇ હતી ત્યારે તેમની સામે અનેક પડકારો હતા. મહાનગરપાલિકાની ચૂંટણી નજીક હતી એવા સમયે જ હાઇકમાન્ડે માધવ દવેને રાજકો ભાજપની કમાન સોંપી હતી. યુવા પ્રમુખ માધવભાઇ દવે સંગઠનને વધુ ટોચ પર લઇ જશે તેવો વિશ્વાસ હાઇકમાન્ડને હતો અને આજે આ વિશ્વાસને જીતી બતાવ્યો છે. અનેક પડકારોની અગ્નિ પરીક્ષા પાસ કરીને એક સફળ પ્રમુખ તરીકેની છબી અંકિત કરી છે. મનપાની ચૂંટણી પૂર્વે ટીઆરપી કાંડ, આવાસ યોજના કૌભાંડ જેવી કેટલિક કલંકિત ઘટના બની હતી. તેને લઇને વિપક્ષે ભાજપ ઉપર માછલા ધોવાની એકપણ તક છોડી ન હતી. આ વખતે મતદારોમાં થોડીઘણી નારાજગી છે તેવુ વાતાવરણ પણ ઉભુ થયેલુ હતુ. ભાજપે અન્ડર કરન્ટનો સામનો કરવો પડશે તેવુ ખુદ પાર્ટીના જ કેટલાક સિનિયરો માનતા હતા. પણ આવા બધા પ્રવાહ વચ્ચે માધવ દવેના કેપ્ટનશીપ હેઠળ આજે ભાજપે કોંગ્રેસની એક પછી એક વિકેટ ખડી પડી હતી.
વિકાસની વિચારધારાને વધાવતી રાજકોટની જનતાનો આજીવન ઋણી રહીશ : માધવ દવે
‘ગુજરાત મિરર’ સાથે થયલી વાતચીતમાં શહેર ભાજપના સુકાની માધવ દવેએ સંપૂર્ણ શ્રેય કાર્યકર્તાઓની મહેનતને આપ્યો રાજકોટ મનપામાં ફરી એકવખત ભગવો લહેરાયા બાદ ‘ગુજરાત મિરર’ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત દરમિયાન શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવેએ કહ્યુ હતુ કે, આ રાજકોટની જનતાની જીત છે. ભાજપની વિકાસશીલ વિચારધારા સાથે રહેલા જનતા જર્નાદને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વૈશ્વિક ફલક પર લઇ જવા જે સ્વપ્ન સેવ્યુ છે તે પુરુ કરવા રાજકોટની જનતા હરહંમેશ વિકાસની વિચારધારા સાથે હતી, છે અને કાયમ રહેશે. ભાજપની જીતમાં પાર્ટીના નાનામા નાના કાર્યકર્તાઓથી માંડી સિનિયર આગેવાનોએ તન, મન, ધનથી મહેનત કરી છે. આવી કાળજાળ ગરમીમાં પણ પ્રચારમાં કોઇ કસર છોડી નથી. જીતનો ખરો શ્રેય પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનોને છે.
