પંજાબ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં ભાજપે ધણના ઘા માર્યા

આમ આદમી પાર્ટીએ તગેડી મૂકેલા રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બીજા છ સભ્યો સાથે ભાજપમાં જોડાઈને આપના મુખિયા અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપી દીધો…

આમ આદમી પાર્ટીએ તગેડી મૂકેલા રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના બીજા છ સભ્યો સાથે ભાજપમાં જોડાઈને આપના મુખિયા અરવિંદ કેજરીવાલને મોટો આંચકો આપી દીધો કેમ કે ચઢ્ઢા પોતે તો ગયા જ પણ કેજરીવાલની નજીત મનાતા બીજાં સાંસદોને પણ સાથે લેતા ગયા છે. સ્વાતિ માલિવાલને પહેલાંથી કેજરીવાલ સાથે બગડી ચૂક્યું છે તેથી એ ચઢ્ઢા સાથે જવાનાં જ હતાં પણ કેજરીવાલે ચઢ્ઢાને રાજ્યસભામાં આપના ઉપ-નેતા પદેથી કાઢીને જેમને બેસાડેલા એ અશોક ગુપ્તા અને કેજરીવાલનો જમણો હાથ મનાતા સંદીપ પાઠકે પણ આપને રામ રામ કરી દીધા એ આંચકાજનક છે.

આ ઉપરાંત રાજિન્દર ગુપ્તા. વિક્રમ સાહની અને હરભજનસિંહે પણ આપ છોડીને ભાજપનો ખેસ પહેરી લીધો છે. ચઢ્ઢાના બળવાએ ભારતીય રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે કેમ કે પહેલી વાર આટલી મોટી સંખ્યામાં કોઈ પક્ષના રાજ્યસભાના સભ્યો ભાજપમાં જોડાયા છે. બીજું એ કે, ગયા વરસે થયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર પછી કેજરીવાલ રાજકીય અસ્તિત્વ ટકાવવા માટે હવાતિયાં મારી રહ્યા છે ત્યારે જ તેમના ખાસ સાથીઓએ તેમનો સાથ છોડીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે.

તેના કારણે કેજરીવાલની પાર્ટીનું અસ્તિત્વ ટકશે કે પછી ધીરે ધીરે બધા ભાજપમાં ભળી જશે ને કેજરીવાલ, આતિશી, મનિષ સિસોદિયાની ત્રિપુટી જ રહી જશે કે શું એવી ચર્ચા પણ શરૂૂ થઈ છે. આપનું રાજકીય અસ્તિત્વ ટકશે કે નહીં તેનો જવાબ સમય આપશે પણ રાઘવ ચઢ્ઢા આણિ મંડળીએ રાજકીય અનૈતિકતાની ચરમસીમા વટાવી દીધી છે તેમાં બેમત નથી. રાઘવ ચઢ્ઢા અને આમ આદમી પાર્ટીના બીજા સાંસદોમાં નૈતિકતાનો ને શરમનો પણ છાંટો હોય તો તેમણે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દેવું જોઈએ. એ લોકો ભાજપમાં જોડાયા તેમાં કશું ખોટું નથી કેમ કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાનો પક્ષ અને વિચારધારા બદલવાની સંપૂર્ણ આઝાદી અને અધિકાર છે.

આપના 7 સાંસદો પણ એ અધિકારનો ઉપયોગ કરીને ભાજપમાં જોડાયા તેની સામે વાંધો ના લઈ શકાય પણ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યા વિના ભાજપમાં જોડાય એ યોગ્ય નથી કેમ કે રાજ્યસભાના સભ્યપદે તેમને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ચૂંટ્યા હતા. આપના ધારાસભ્યોના મતથી રાજ્યસભામાં ચૂંટાયા પછી ભાજપમાં ભળી જવું એ ગદ્દારી કહેવાય. રાઘવ ચઢ્ઢા આણિ મંડળી માટે કેજરીવાલ ગદ્દાર શબ્દ વાપરે છે એ યોગ્ય જ છે. આપ પાસે રાજ્યસભામાં 10 સભ્યો છે ને તેમાંથી 7સભ્યો ભાજપમાં જોડાયા તેથી પક્ષપલટાનો કાયદો તેમને લાગુ ના પડે કેમ કે કોઈ પણ પક્ષના કુલ સંખ્યાબળના બે તૃતિયાંશ કે વધારે ધારાસભ્યો કે સાંસદો પક્ષપલટો કરે તો તેમને પક્ષપલટા ધારા હેઠળ તેમને ગેરલાયક ના ઠેરવી શકાય. આ બંધારણીય જોગવાઈ છે ને તેની આડમાં રાઘવ ચઢ્ઢા આણિ મંડળી પોતાના પક્ષપલટાને વાજબી ઠેરવે છે. એ લોકો તો પોતાનો બચાવ કરવાના જ પણ ભાજપે આ પ્રકારની સાવ અનૈતિક પ્રવૃત્તિને પોષવા જેવી નહોતી.

ભાજપે ગુજરાત અને બીજાં રાજ્યોમાં પણ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોના ધારાસભ્યો કે સાંસદોને તોડયા છે પણ તેમની પાસે વિધાનસભા અને લોકસભામાં રાજીનામાં અપાવીને પછી પાર્ટીમાં લીધા છે. તેમના રાજીનામાથી ખાલી પડેલી બેઠકો પર ફરી તેમને જ ટિકિટ આપીને ભાજપે તેમને ફરી સાંસદ અને ધારાસભ્ય બનાવ્યા છે પણ પહેલાં રાજીનામાં તો અપાવ્યાં જ છે. મધ્ય પ્રદેશ અને કર્ણાટકમાં તો કોંગ્રેસના ધારાસભ્યો પાસે આ રીતે રાજીનામાં અપાવીને ભાજપે સત્તા કબજે કરી છે ને ફરી તેમને ટિકિટ આપીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. રાઘવ ચઢ્ઢ ાના કેસમાં પણ ભાજપે એ જ વલણ અપનાવવ્યું હોત તો સારું થાત. ભાજપને હવે નૈતિકતા સાથે કંઈ લેવાદેવા તો રહી નથી પણ છતાં એટલો દેખાડો પણ કરી લીધો હોત તો સારું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *