અજિત પવારના નિધન પછી ભાજપ એનસીપીને નાયબ મુખ્ય મંત્રીપદ આપશે કે નહીં એ સવાલ પુછાવા માંડેલો. આ સવાલનો જવાબ મેળવવા બહુ રાહ ના જોવી પડી ને ભાજપે અજિતદાદાના નિધનના ચાર જ દિવસમાં તેમનાં વિધવા સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રીપદે બેસાડી દીધાં. અજિતદાદાના નિધન પછી તરત જ એનસીપીમાં સુનેત્રાને નાયબ મુખ્ય મંત્રી બનાવવાની માગ શરૂૂ થઈ ગયેલી. ભાજપે આ માગણીને સ્વીકારીને અજિતદાદાના નિધનના બે દિવસ પછી જ સુનેત્રા પવારને નાયબ મુખ્ય મંત્રી બનાવવાની તૈયારીનો મેસેજ એનસીપીની નેતાગીરીને પહોંચાડી દીધેલો.
એનસીપીની નેતાગીરીએ મોડું કર્યા વિના બીજા જ દિવસે સવારે સુનેત્રાને વિધાનસભા પક્ષનાં નેતા ચૂંટ્યાં ને સાંજ સુધીમાં તો શપથવિધિ પણ પતાવી દેવાઈ. મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ સુનેત્રાને સ્ટેટ એક્સાઈઝ ડ્યૂટી, સ્પોર્ટ્સ અને યુથ વેલફેર, લઘુમતીઓનો વિકાસ અને ઔકફ મંત્રાલય સોંપીને ઔપચારિકતા પતાવી દીધી. બારામતી અજિત પવારનો ગઢ ગણાય છે પણ સુનેત્રા ત્યાં પણ જીતી ના શક્યાં તેના પરથી સ્પષ્ટ છે કે, સુનેત્રા પાસે જનાધાર નથી ને કોઈ રાજકીય મૂડી પણ નથી.
અત્યારે પણ સુનેત્રાને નાયબ મુખ્ય મંત્રીપદ અજિતદાદાનાં વિધવા હોવાના નાતે જ મળ્યું છે તેથી સુનેત્રા માટે તો વકરો એટલો નફો જ છે. જો કે જે હોય તે પણ સુનેત્રાએ મહારાષ્ટ્રનાં પહેલાં મહિલા નાયબ મુખ્ય મંત્રી બનીને ઈતિહાસ રચી દીધો છે એ વાસ્તવિકતા છે. કમનસીબે કેટલાંક લોકોને આ વાત પચી નથી તેથી સુનેત્રાની ટીકા કરી રહ્યાં છે. પતિના મોતને હજુ ચાર દિવસ પણ થયા નથી ત્યાં નાયબ મુખ્ય મંત્રીપદના શપથ લઈને સુનેત્રાએ સત્તાલાલસા બતાવી છે એવી ટીકાઓ થઈ રહી છે. કેટલાંકને વળી હિંદુ સંસ્કૃતિની યાદ આવી ગઈ છે. હિંદુ સંસ્કૃતિમાં મોતના મહિના લગી શોક હોય તેથી સુનેત્રાએ શપથ લેવાથી દૂર રહેવું જોઈએ એવું જ્ઞાન પિરસાઈ રહ્યું છે. સોશ્યલ મીડિયા નવરાં લોકોનો અહો છે ને ત્યાં ગમે તે લખી નાખો કોઈ પૂછવાવાળું નથી હોતું તેથી એવી ટીકાઓ થાય તેની નવાઈ નથી. આ નવરી બજારમાંથી મોટા ભાગના અબૂધ ને અજ્ઞાની છે તેથી પણ કોંગ્રેસના નેતા ઉદિત રાજ પણ આ હઈસો હઈસોમાં જોડાઈ ગયા છે.
ઉદિત રાજે પણ જ્ઞાન આપ્યું છે કે, પરિવારમાં કોઈ મૃત્યુ પામે પછી 12-13 દિવસ સુધી શોક પળાય છે તેથી કંઈ કરવામાં આવતું નથી. સુનેત્રાએ પણ 13 દિવસ રાહ ના જોઈ અને નાયબ મુખ્ય મંત્રીપદે શપથ ગ્રહણ કરી લીધા. આપણે ત્યાં હમણાંથી હિંદુ સંસ્કૃતિને નામે ચરી ખાવાની ફેશન ચાલે છે. ઉદિત રાજે વહેતા પાણીમાં હાથ ધોવા માટે ભારતીય સંસ્કૃતિની વાત માંડી કે પછી પહેલાં ભાજપના જ સાંસદ હતા તેથી ભાજપના નેતાઓની જેમ અચાનક તેમનો ભારતીય સંસ્કૃતિપ્રેમ જાગૃત થઈ ગયો એ આપણને ખબર નથી પણ ઉદિત રાજની વાત બકવાસ છે તેમાં મીનમેખ નથી. હિંદુત્વ એક જીવનશૈલી છે ને તેમાં કોઈ જડ ધાર્મિક નિયમો નથી. હિંદુઓનો કોઈ ચોક્કસ ધર્મગ્રંથ પણ નથી તેથી મૃત્યુ પછી કેટલા દિવસ શોક પાળવો ને શું કરવું તેના કોઈ ચોક્કસ નિયમો નથી. જે નિયમો છે એ પરંપરાના ભાગરૂૂપે છે, હિંદુત્વના ભાગરૂૂપે નથી.
આ નિયમો પણ અલગ અલગ છે. બહુમતી હિંદુઓ મૃત્યુ પછી મૃતદેહનો અગ્નિસંસ્કાર કરે છે પણ હિંદુઓમાં કેટલાક સમુદાય મૃતદેહને દફન પણ કરે છે. દરેક સમુદાયની પોતાની પરંપરા હોય ને તેનું પાલન કરવાનો તેમને અધિકાર છે. આ પરંપરામાં અલગ અલગ દિવસો લગી શોક પળાય છે પણ 13 દિવસ શોક પાળવો કે મહિનો શોક પાળવો કે બાર મહિના શોક પાળવો તેના કોઈ નિયમ નથી. દરેક વ્યક્તિ કે પરિવાર પોતાની રીતે નિર્ણય લે છે.
સુનેત્રાની જેમ ભૂતકાળમાં ઘણાં લોકોએ શપથ લીધા જ છે. સુનેત્રાએ તો પતિના મોતના ચાર દિવસ પછી શપથ લીધા, બાકી રાજીવ ગાંધીએ તો એક દિવસ પણ રાહ નહોતી જોઈ. ભાજપે આ વાત કરી છે ને એ સો ટકા સાચી છે. ઈન્દિરા ગાંધી 31 ઓક્ટોબર, 1984ના રોજ સવારે પોતાના બે અંગરક્ષકો સતવંતસિંહ અને બિયંતસિંહની ગોળીથી મરી ગયાં તેના કલાકો પછી એ જ દિવસે રાજીવ ગાંધીની વડા પ્રધાનપદે શપથ વિધિ થઈ ગઈ હતી.
