બબ્બર ખાલસાના આતંકીઓ પાસેથી 2.5 કિલો RDX અને બે પિસ્તોલ કબજે, આતંકવાદી મોડયુલનો પર્દાફાશ
પ્રજાસત્તાક દિવસ પહેલા પંજાબ પોલીસે મોટી સફળતા મેળવી. તેમણે ચાર બબ્બર ખાલસા હેન્ડલરોની ધરપકડ કરી. તેમની પાસેથી 2.5 કિલો આરડીએકસ અને બે પિસ્તોલ જપ્ત કરવામાં આવી. પંજાબના હોશિયારપુરમાં પોલીસે પ્રજાસત્તાક દિવસ પહેલા એક મોટા કાવતરાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાકિસ્તાનના આઇએસઆઇ દ્વારા સમર્થિત પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલા એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ચાર ખતરનાક આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી આશરે 2.5 કિલો આરડીએકસ ભરેલો આઇઇડી જપ્ત કરવામાં આવ્યો છે.
પંજાબના પોલીસ મહાનિર્દેશક (DGP) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ દિલજોત સિંહ, હરમન સિંહ ઉર્ફે હેરી ઉર્ફે હરી, અજય ઉર્ફે મહિરા અને અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ કંડોલા તરીકે થઈ છે. આ બધા જઇજ નગર જિલ્લાના રાહોન વિસ્તારના રહેવાસી છે. પોલીસે તેમના કબજામાંથી બે પિસ્તોલ પણ જપ્ત કરી છે.
DGP ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આ આતંકવાદી મોડ્યુલ અમેરિકા સ્થિત બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ હેન્ડલર્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલા IEDsનો ઉપયોગ આગામી પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લક્ષ્ય બનાવતા આયોજિત આતંકવાદી હુમલો કરવા માટે કરવાનો હતો.
BKI હેન્ડલર્સ યુએસ તરફથી આ આતંકવાદીઓને સૂચનાઓ આપી રહ્યા હતા, અને તેમને પાકિસ્તાનની ISI દ્વારા વિસ્ફોટકો પૂરા પાડવામાં આવી રહ્યા હતા. આ ગેંગ પંજાબની શાંતિને ખલેલ પહોંચાડવા અને લક્ષિત હુમલાઓ કરવા માટે બનાવવામાં આવી હતી. પોલીસ હાલમાં ચાર આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે અને તેમના અન્ય સહયોગીઓ વિશે પણ માહિતી એકત્રિત કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં આગળ અને પાછળની કડીઓ સ્થાપિત કરવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે. ઓપરેશનની વિગતો શેર કરતા, હોશિયારપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સંદીપ મલિકે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે, હોશિયારપુર પોલીસ અને સીઆઇ જલંધર ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને ચાર શંકાસ્પદોની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી આરડીએકસ આધારિત ઈંઊઉ અને બે પિસ્તોલ જપ્ત કરી હતી.
પંજાબમાં 12000 પોલીસના 2000 સ્થળોએ સામટા દરોડા
ઓપરેશન પ્રહાર અંતર્ગત પંજાબમાં 12000 પોલીસ કર્મચારીઓ દ્વારા લગભગ 2000 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશનમાં 61 વિદેશી ગેંગસ્ટરો દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કાર્ટેલ સાથે સંબંધ ધરાવતા 3256 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
