ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કારણે બે દિવસ માર્કેટ ક્રેશ થયા બાદ આજે સેન્સેકસમાં 800 પોઈન્ટનો ઉછાળો
છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીમાં જોરદાર વધારો નોંધાયા બાદ ચાંદીના ભાવમાં કડાકો બોલી ગયો છે. છેલ્લા 12 કલાકમાં ચાંદીમાં 30 હજારનું ગાબડુ પડયું છે. ગઈકાલે એમસીએકસમાં ચાંદી 3,33,000ને પાર થઈ ગઈ હતી. પરંતુ ગઈકાલે રાત્રે ચાંદી તૂટયા બાદ આજે પણ ઘટાડા સાથે માર્કેટ ખુલ્યું હતું. ચાંદી અત્યારે 3,05,000 ઉપર ટ્રેડ કરી રહી છે એટલે કે માત્ર 12 કલાકમાં ચાંદીમાં 30,000 રૂપિયાનો મોટો કડાકો નોંધાયો છે.
ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો બાદ સોના ચાંદી માર્કેટમાં કડાકો બોલી ગયો હતો. ચાંદી ઉપરાંત સોનામાં પણ 9000નો કડાકો 12 કલાકમાં નોંધાયો છે. હાલ સોનુ એમસીએકસ પર 1,49,930 પર જોવા મળી રહ્યું છે. ગઈકાલે રાત્રે સોનામાં કડાકો બોલ્યા બાદ આજે પણ સોનામાં પ્રતિ 10 ગ્રામે 3 હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. એમસીએકસ પર સોનુ 1,53,784નો હાઈ આજે સવારે નોંધાયો હતો. પરંતુ થોડીક ક્ષણોમાં તે ઘટીને 1,49,930 પર આવી ગયો છે. એટલે કે આજે પણ ઉપલા ભાવથી સોનામાં 4 હજાર રૂપિયાનો કડાકો બોલ્યો છે.
ચાંદીની વાત કરીએ તો આજે 3,25,602નો હાઈ એમસીએકસ પર સવારે જોવા મળ્યો હતો. પરંતુ ત્યાંથી ચાંદીમાં મોટા ગાબડા પડયા હતાં અને ઉપલા ભાવથી 19000 રૂપિયા ચાંદીમાં માત્ર આજે તુટયા છે.
બીજી બાજુ અમેરિકી પ્રમુખ ડોનાલ્ટ ટ્રમ્પના ગ્રીનલેન્ડ ઉપરના વિધાનથી તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત પ્રત્યે ડોનાલ્ડ ટ્રમ્પે પોઝીટીવ વલણ અપનાવતાં શેર માર્કેટમાં તેજી જોવા મળી હતી.
છેલ્લા બે દિવસમાં સેન્સેકસ 2000 પોઈન્ટ તુટયા બાદ આજે સવારથી જ શેરબજારમાં તેજી જોવા મળી હતી અને 800 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. હાલ સેન્સેકસ 82590 પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફટીમાં પણ 220 પોઈન્ટની તેજીના પગલે 25380 પર જોવા મળી રહ્યો છે. બેંક નિફટી પણ 540 પોઈન્ટ ઉપર અને મિડકેપ નિફટી 930 પોઈન્ટ ઉપર જોવા મળી રહી છે. આજે સેન્સેકસના 2160 શેરમાં ખરીદારી જોવા મળે છે. જ્યારે 302 શેરમાં વેચવાલી જોવા મળી છે. આજે બેન્કીંગ, ફાર્મા, મીડિયાના શેરમાં ભારે તેજી જોવા મળી રહી છે. દિગ્ગજ કંપનીના શેરોમાં વધારો જોવા મળ્યો છે. જેમાં અંદાણી પોર્ટસ, ઈન્ડીગો, રિલાયન્સ, ડો.રેડ્ડી, ટાટા જુથના શેરો વગેરે સામેલ છે.
