બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનનો પ્રસ્તાવિત ભારત પ્રવાસ અચાનક રદ થવાના અહેવાલોએ દક્ષિણ એશિયાઈ રાજકારણમાં ભારે ચર્ચા જગાડી છે. 23 ઓગસ્ટથી શરૂૂ થનારી ત્રણ દિવસીય નવી દિલ્હીની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને એક નવી દિશા આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતી હતી.
દક્ષિણ એશિયાના ભૂ-રાજકારણમાં બાંગ્લાદેશ માટે ભારત માત્ર એક પાડોશી દેશ નથી, પરંતુ તેની આર્થિક અને સામાજિક સ્થિરતાની મુખ્ય ધરી છે. 1971ના મુક્તિ સંગ્રામથી શરૂૂ થયેલી આ મિત્રતા સમય સાથે ઊર્જા પુરવઠા, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય સંભાળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક ક્ષેત્રોમાં વિસ્તરી છે. પરંતુ વર્તમાન સમયે ઢાકા દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયોમાં વ્યૂહાત્મક સમજણ કરતાં ઘરેલુ રાજકીય દબાણ વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
પ્રવાસ રદ થવાના થોડા સમય પહેલા જ તારિક રહેમાનના એક મંત્રી અથવા સહયોગી દ્વારા ‘ઇસ્લામિક નાટો’ જેવા વિચારને સમર્થન આપવાના અહેવાલો સામે આવ્યા હતા. આ સિવાય, બાંગ્લાદેશ તરફથી ભારત સમક્ષ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની સતત માંગ કરવામાં આવી રહી છે. ભારત પ્રવાસ રદ થવા પાછળનું એક મુખ્ય કારણ બાંગ્લાદેશનું ચીન તરફ ઝડપથી વધી રહેલું ઝુકાવ પણ માનવામાં આવે છે. તાજેતરના અહેવાલો મુજબ: બાંગ્લાદેશે લાંબા સમયથી પેન્ડિંગ રહેલા તીસ્તા પ્રોજેક્ટમાં ચીનની ભાગીદારી અને રોકાણ માટે રસ દાખવ્યો છે, જે ભારત માટે સીધી સુરક્ષા ચિંતા ઊભી કરે છે. આ ઉપરાંત મ્યાનમારના રસ્તે ચીનના યુન્નાન પ્રાંત અને બાંગ્લાદેશ વચ્ચે સીધા માર્ગ સંપર્ક સ્થાપિત કરવા અંગે ચર્ચા ચાલી રહી છે.
