ભારતમાં છેલ્લાં બે વર્ષના સૌથી બેદરકાર રાજકારણીનો એવોર્ડ અપાતો હોય તો નિ:શંકપણે આ એવોર્ડ મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહને આપવો જોઈએ. મણિપુરમાં 3 મે, 2023થી એટલે કે છેલ્લા 20 મહિનાથી હિંસા ચાલી રહી છે. મણિપુરમાં 3 મે, 2023થી કુકી-મૈતઈ સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને આ હિંસાને 600થી વધુ દિવસો વીતી ગયા છે.
મણિપુરમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે, પણ કુકી-મૈતઈ સમુદાય વચ્ચે ચાલતી હિંસાને રોકવામાં બંને નિષ્ફળ ગયાં છે. આ હિંસા દરમિયાન હજારો લોકો બેઘર થયાં છે, સેંકડો મહિલાઓ પર બળાત્કાર થયા છે અને મહિલાઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરીને ગેંગ રેપ કરવા સહિતની અતિ ઘૃણાસ્પદ ઘટનાઓ નોંધાઈ છે છતાં એન. બિરેન સિંહનાં પેટનું પાણી નહોતું હાલતું. બિરેન સિંહ સાવ સહજ બનીને સત્તાને વળગી રહ્યા છે અને ખુરશીને ચીટકી રહ્યા છે, પણ ખસતા નથી. બલકે કશું બોલતા જ નહોતા ને છેવટે 2024ના વરસના છેલ્લા દિવસે તેમણે મોં ખોલીને મણિપુરમાં થયેલી હિંસા અને તેમાં થયેલી જાનહાનિ માટે માફી માગી છે. બિરેન સિંહે છેલ્લા દોઢ વરસમાં થયેલી હિંસામાં શું શું થયું તેના હિસાબનો ચોપડો પણ ખોલ્યો અને જાહેર કર્યું કે, અત્યાર સુધીમાં લગભગ 200 લોકો માર્યા ગયા છે અને કુલ 12,247 એફઆઈઆર નોંધવામાં આવી છે. 625 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લગભગ 5,600 હથિયારો અને દારૂૂગોળો મળી આવ્યો છે. બિરેન સિંહે વધાઈ પણ ખાધી છે અને કેન્દ્ર સરકારનાં મોંફાટ વખાણ પણ કર્યાં છે.
બિરેન સિંહના કહેવા પ્રમાણે મણિપુરમાં હિંસા માટે કારણભૂત મુદ્દાઓને ઉકેલવામાં પણ સફળતા મળી છે. કેન્દ્ર સરકારે વિસ્થાપિત પરિવારોને મદદ કરવા માટે પૂરતા સુરક્ષા કર્મચારીઓ અને ભંડોળ પૂરું પાડયું છે અને વિસ્થાપિતો માટે નવાં મકાનો બનાવવા માટે પણ નાણાં આપ્યાં છે. આ બધા પ્રયત્નોના કારણે છેલ્લા મહિનાથી રાજ્યમાં શાંતિ છે અને હિંસાની કોઈ ઘટના બની નથી. છૂટાછવાયા વિરોધ પ્રદર્શન માટે પણ લોકો રસ્તા પર ઊતરતા નથી. સરકારી ઑફિસો દરરોજ ખૂલી રહી છે અને શાળાઓમાં બાળકોની સંખ્યા વધી રહી છે.
આશા રાખીએ કે બિરેન સિંહનો આશાવાદ સો ટકા સાચો પડે ને છેલ્લાં દોઢ વર્ષથી સતત ફફડતા જીવે જીવતા મણિપુરના લોકો ખરેખર શાંતિથી જીવે. અત્યારે જનજીવન સામાન્ય છે એવું સામાન્ય જ રહે, બાળકો નચિંત બનીને સ્કૂલે જઈ શકે, બેઘર થયેલા લોકોને ઘર મળે અને ફરી હિંસાની આગ ના ભડકે. અત્યારે 60 હજાર લોકો તેમનાં ઘર છોડીને રાહત શિબિરોમાં રહે છે અને એ બધા પણ પોતપોતાના ઘરે પાછા જઈ શકે, પોતાના ધંધા-રોજગાર ફરી શરૂૂ કરીને આ દેશના મોટા ભાગના નાગરિકોની જેમ સામાન્ય જિંદગી જીવી શકે.