ગુજરાત

ઘૂઘરામાં ચટણી નાખવા મામલે યુવાનની હત્યાનો પ્રયાસ

Published

on

સામાપક્ષે બન્ને સંતાનોનું ઉપરાણું લેવા વચ્ચે પડેલા જમીન-મકાનનાં ધંધાર્થી પર હુમલો કરી પગ ભાંગી નાંખ્યો

કોઠારિયા રોડ પરની ઘટના: સામ સામે નવ શખ્સો સામે નોંધતો ગુનો


શહેરના કોઠારીયા રોડ પર આવેલી આંખની હોસ્પિટલ પાસે સંતોષ ઘુઘરાવાળાની કેબીને ઘુઘરામાં ચટણી નાખવા મામલે બે પક્ષ વચ્ચે ધોકા, પાઇપ અને છરી વડે સામ સામે હુમલો થતા ચારથી પાંચ વ્યક્તિ ઘવાયા હતા અને એક યુવાનની હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે બન્ને પક્ષે નવ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ આરોપીઓની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.


વધુ વિગતો મુજબ, ભગવતીપરા શેરી નં.10 રાધેકિષ્ના મંદિર પાછળ રહેતા અબ્દુલકાદિરભાઇ કાશમભાઇ સીદાદ (ઉ.વ.28)એ પોતાની ફરિયાદમાં કોઠારીયા રોડ વિવેકાનંદ નગરમાં રહેતા અલ્પેશ ઠાકર અને તેમના બન્ને સંતાનો ઉદય અને દેવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ મામલે ફરિયાદી અબ્દુલકાદિરએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, પોતે ભારમલ પેઢીમાં ફોરવ્લિ ચલાવી ડ્રાઇવિંગ કામ કરે છે.

ગઇકાલે સાંજના સમયે તેમના મિત્ર યુસુફભાઇ ગોગદા બન્ને જસદણથી જંગલેશ્ર્વર તેમના મિત્ર નવાઝની દોસ્તીપાન નામની દુકાને હતા ત્યારે તેમના મિત્ર નિદાલ બ્લોચને કોઇનો ફોન આવ્યો હતો અને તેમને કોઠારીયા રોડ પર સંતોષ ઘુઘરા નામની લારી પર આવવા જણાવ્યું હતુ જેથી ત્રણેય મિત્રો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં નદીમનો મિત્ર અરમાન પણ હાજર હતો અને ત્યાં ઘુઘરાવાળાને પુછતા તેમણે ચટણી બાબતે નદીમ અને ત્યાં ઘુઘરા ખાવા આવેલા ઉદય અને દેવ સાથે માથાકુટ થઇ હતી. આ બનાવમાં ઉદય અને દેવે છરી વડે હુમલો કરી યુસુફને આડેધડ ઘા ઝીંકી દીધા હતા. તેમજ અબ્દુલભાઇને કાન પાસે છરીનો ઘા ઝીંક્તા તેઓ પણ લોહીલુહાણ થઇ ગયા હતા. ત્યાર બાદ ઘવાયેલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.


જ્યારે સામાપક્ષે ફરિયાદી અલ્પેશભાઇ કિશોરભાઇ ઠાકરે ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, પોતે જમીન-મકાનનું ધંધો કરે છે અને ફરિયાદમાં તેઓએ બાલા સહિત છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અલ્પેશભાઇએ ફરિયાદમાં વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, ગઇકાલે તેમના બન્ને પુત્રો ઉદય અને દેવ ઘુઘરા ખાવા કોઠારીયા રોડ પર ગયા હતા. ત્યારે ત્યાં ઘુઘરામાં ચટણી નાખવા મામલે બાલા નામના શખ્સ અને તેમની સાથે આવેલા અન્ય શખ્સો સાથે ગાળાગાળી થઇ હતી. ત્યાર બાદ આ માથાકુટમાં પોતે વચ્ચે પડતા તેમની પર પ્લાસ્ટિકનું કેરેટ અને પાઇપ વડે હુમલો ર્ક્યો હતો. જેથી અલ્પેશભાઇને ફેક્ચર જેવી ગંભીર ઇજા થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં છે. આ મામલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ સરવૈયા અને ડી સ્ટાફ પી.એસ.આઇ. સામુદ્રે અને ટીમે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version