દિવાળીના દીવડાઓ માત્ર ઘરના આંગણાને જ નહીં, હૃદયના ખૂણેખૂણાને પણ અજવાળે છે. કોઈ માટે દિવાળી બાળપણની મીઠી યાદોની મહેફિલ છે, તો કોઈ માટે પરિવાર સાથે વિતાવેલી અમૂલ્ય પળોનો ઉત્સવ. ક્યાંક પરંપરાગત વાનગીઓની મહેક છે, તો ક્યાંક રંગોળીના રંગો અને દીવાઓની રોશનીમાં ઝળહળતી લાગણીઓ છે. સમય બદલાય છે, ઉજવણીની રીત બદલાય છે, જીવનની જવાબદારીઓમાં પણ બદલાવ આવે છે અને વ્યક્તિના લગ્ન પછી પણ ઉજવણીમાં બદલાવ આવે છે. આ બધા વચ્ચે તહેવાર સાથે જોડાયેલી લાગણીઓનું સૌંદર્ય અકબંધ રહે છે.
આજે દરેક વ્યક્તિ પોતાની કેરિયર અને વ્યવસાયમાં વ્યસ્ત હોય છે ત્યારે પરિવાર સાથે વિતાવેલી થોડી ક્ષણોનું મહત્ત્વ વધ્યું છે. નાનપણમાં કોઈ ચિંતા,જવાબદારી વિના ઉજવેલા ઉત્સવો હંમેશાં હૃદયના એક ખૂણે સચવાયેલા રહે છે. લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ ‘અનુપમા’ માં અભિનયના ઓજસ પાથરી પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેત્રીઓએ પણ દિવાળીના પર્વ સાથે જોડાયેલી પોતાની યાદો, પારિવારિક પરંપરાઓ, ઉજવણીની રીતો અને આ તહેવારના સાચા અર્થ વિશે ગુજરાત મિરર સાથે વિશેષ વાતચીત કરી હતી મન મૂકીને વાત કરી છે.
તેમની વાતોમાં માત્ર દિવાળીની ઝાકઝમાળ જ નહીં, પરંતુ સંબંધોની હૂંફ, સંસ્કારોની સુવાસ અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનો સંદેશ પણ છલકાય છે. કારણ કે સાચી દિવાળી તો ત્યારે જ ઉજવાય, જ્યારે આપણા ઘરની સાથે કોઈ બીજાનું જીવન પણ ખુશીઓના પ્રકાશથી ઝળહળી ઊઠે!
દિવાળીના પર્વને લાગણીઓ, યાદો અને સંબંધોના અજવાળે માણતી આ અભિનેત્રીઓએ ઉડાન માટે વિશેષ વાતચીત કરી હતી. તે જાણીએ તેમના જ શબ્દોમાં..
સ્વપ્નના ઘર ‘લીલા વિલા’ને દિવાથી ઝગમગતું જોઈને થાય છે અપાર આનંદ
ઈશ્વરકૃપાએ મળેલી અનુપમા સિરિયલની સફળતા અને લીલાબાની ઓળખથી હું પ્રકૃતિની વચ્ચે , મુંબઈ જેવા અવાજોના જંગલથી દૂર , જંગલના અવાજો વચ્ચે ‘લીલા વિલા’નામનું એક સરસ ઘર બાંધી શકી છું અને મારા એ સાકાર થયેલા સપનાના ખોળે પરિવારની સાથે દિવાળી ઉજવવી એ મારે માટે ખૂબ આનંદમય અનુભૂતિ છે .
દીવાથી ઝગમગતા પોતાના સાકાર થયેલા સપનાંને જોઈ એક અનોખો સંતોષ થાય છે. પોતીકાંઓ સાથે આશીર્વાદ અને શુભેચ્છાની આપલે, મઠિયા, ચોરાફળી ને વળી એકાદ મીઠાઈ સાથે મોજ માણવી, નવા વર્ષને ઇશ્વરનો આભાર માની ઉત્સાહપૂર્વક વધાવી લેવું મને ખૂબ ગમે છે.
બાળપણની દિવાળી અને એ નવા વર્ષની સવાર ક્યારેય નહીં ભૂલાય. દિવાળી પહેલાં ટોપલો ભરી ફટાકડા આવે. મમ્મી પપ્પાની હાજરીમાં મારી અને મારા ભાઈ સંજય વચ્ચે એ ફટાકડાનો ખજાનો સરખે ભાગે વહેંચાય અને પછી જતનથી સાચવી સાચવીને છેક દેવ દિવાળીએ ફટાકડા ફોડવાની મોજ ક્યારેય નહીં ભૂલાય. નવા વર્ષના દિવસે સગાંવહાલાઓને ત્યાં જઈ સામે મૂકાયેલી પેલી મીઠાઈ અને સૂકામેવાના રૂૂપાળા ડબ્બામાંથી મનગમતી મીઠાઈનો સૌથી મોટો ટુકડો મેળવીને થતો એ બાળસહજ આનંદ ક્યારેય નહીં ભૂલાય. એમાયે નવાવર્ષે પહેરવાના નવા કપડાંની મોજનું વર્ણન શબ્દોની તાકાતથી પર છે.
દોસ્તો ફટાકડાના ઘોંઘાટ વગરની, શાંત અને પર્યાવરણ-મિત્ર દિવાળી ઉજવો . દિવાળીનો અર્થ પ્રેમ, પ્રકાશ અને આનંદ છે, ઘોંઘાટ અને પ્રદૂષણ નહીં.બસ, હરખના દીવડા પ્રગટાવી, આનંદની આતશબાજીના અજવાળે તમે પણ નવા વર્ષને આવકારો. તમને સહુને નૂતનવર્ષના ખૂબ ખૂબ વધામણાં અને અઢળક શુભેચ્છા.
લીલા બા….અલ્પના બુચ
દિવાળી બાળસહજ આનંદને જીવંત કરી દે છે
મારા માટે દિવાળી માત્ર એક તહેવાર નથી, પરંતુ એક ખુશીની અનુભૂતિ છે. આ તહેવાર પોતાની સાથે એક વિશેષ ઉર્જા લઈને આવે છે, જે મને ખૂબ ગમે છે. રોજિંદા જીવનની ભાગદોડમાંથી થોડો વિરામ લઈને તૈયાર થવું, ઘરને સજાવવું અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવો મને ગમે છે. મારી દિવાળીની ઉજવણી સામાન્ય રીતે ખૂબ સાદગીભરી હોય છે. હું મારા સ્વજનો સાથે સમય વિતાવવાનું, તેમની સાથે હૃદયસ્પર્શી વાતો કરવાનું અને તહેવારના માહોલને માણવાનું પસંદ કરું છું. મારું માનવું છે કે ક્યારેક સાદગીથી કરેલી ઉજવણી જ જીવનની સૌથી સુંદર યાદો બની રહે છે.
દિવાળીની એક એવી યાદ, જેને હું હંમેશાં હૃદયમાં સાચવી રાખું છું, તે છે તહેવારની તૈયારીઓનો ઉત્સાહ અને સમગ્ર વિસ્તારને રોશનીથી ઝળહળતો જોવાનો આનંદ. એ સમયનું હાસ્ય, તહેવારની તૈયારીઓ અને આસપાસ છવાયેલી ખુશીઓ આજે પણ મને યાદ છે. મને લાગે છે કે અમુક ઉંમરે પહોંચ્યા પછી આપણે બાળપણનો એ નિર્દોષ ઉત્સાહ ક્યાંક ગુમાવી દઈએ છીએ, પરંતુ તહેવારો એ જ બાળસહજ આનંદને ફરી એકવાર જીવંત કરી દે છે.
આ દિવાળીએ જ્યારે આપણે પોતાનાં ઘરોને દીવાઓથી ઝળહળાવીએ છીએ, ત્યારે કોઈના જીવનમાં પણ થોડો પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરીએ. એ કોઈની પ્રત્યેનો સદભાવભર્યો વ્યવહાર હોય, જરૂૂરિયાતમંદની મદદ હોય કે પછી જેને આપણી જરૂૂર છે એવી વ્યક્તિ માટે થોડો સમય ફાળવવાની વાત હોય. આપણે ઘણીવાર એ સમજી શકતા નથી કે આપણું નાનકડું એવું કોઈ સારું કાર્ય પણ સામેની વ્યક્તિ માટે કેટલું મહત્ત્વ ધરાવી શકે છે.
અદ્રિજા રોય….રાહી
નાનીના ઘરે ઉજવાતી દિવાળી જીવનભરનું સંભારણું
મારા માટે દિવાળીની શરૂૂઆત તો ખરેખર તહેવારના દિવસો પહેલાંથી જ થઈ જાય છે! મમ્મીનો એક ફોન આવે અને યાદ અપાવે કે, દિવાળી આવી રહી છે! હવે કમર કસી લો, આખા ઘરની સફાઈ કરવાની છે, એકેએક ખૂણો સાફ કરવો પડશે! (હસતાં હસતાં). બસ, ત્યારથી જ તહેવારનો સાચો ઉત્સાહ શરૂૂ થઈ જાય છે! આપણે ગુજરાતીઓ માટે તો દિવાળીની ઉજવણીનો ખૂબ જ મહત્ત્વનો હિસ્સો ખાણીપીણી છે! અમે ઘરે જ દિવાળીની પરંપરાગત વાનગીઓ જેવી કે શક્કરપારા, મસાલા પૂરી, ઘૂઘરા, મઠિયા, ચોરાફળી સહિત અનેક વાનગીઓ બનાવીએ છીએ. હું અને મમ્મી દરરોજ અલગ-અલગ રંગોળીથી અને સાંજે દીવાઓથી ઘરને સજાવીએ છીએ. આ બધામાં એક અનોખી જાદુઈ અનુભૂતિ છે, જે ઘરમાં હૂંફ અને ઉત્સવનો માહોલ સર્જે છે!
દિવાળીના દિવસે સવારની શરૂૂઆત પૂજા કરીને કરીએ છીએ અને પરિવારજનોનું ઘરે સ્વાગત કરીએ છીએ. સૌ સાથે મળીને ઉત્સવના માહોલમાં બપોરના ભોજનનો આનંદ માણીએ છીએ. પરંપરા મુજબ અમારી સાંજનો અંત નાનીના ઘરે થતો, જ્યાં પરિવારના બધા સભ્યો એકઠા થતાં, હસતાં, વાતો કરતાં અને એકબીજાના સાથનો આનંદ માણતાં. આ મારી જીવનની સૌથી અમૂલ્ય યાદોમાંની કેટલીક યાદો છે. હવે લગ્ન પછી પણ ગૌરવ અને હું પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા દિલ્હી જઈએ છીએ. અમારા બંને પરિવારોનાં મૂલ્યો, પરંપરાઓ અને સાથે મળીને તહેવાર માણવાનો પ્રેમ એકસમાન છે.
દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા છે, પરંતુ બદલાતી આબોહવા અને પર્યાવરણ સામે ઊભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને આપણે કોઈક સંતુલિત માર્ગ શોધવાની જરૂૂર છે. મારું માનવું છે કે દીવાઓ, રંગોળી, સ્વાદિષ્ટ ભોજન અને પ્રિયજનોના સાથથી પણ આપણે દિવાળીની એટલી જ સુંદર ઉજવણી કરી શકીએ છીએ.
ચાલો, જેમને સૌથી વધુ જરૂૂર છે એવા લોકો સુધી પણ શક્ય હોય એ રીતે પ્રેમ અને ખુશીઓ પહોંચાડીએ!
મિલોની કાપડિયા…કિંજલ
દાદી સાથે દિવાળીની ખરીદી કરવા જવાની ક્ષણો ક્યારેય નહીં ભૂલાય
નાનપણમાં દાદી સાથે દિવાળીની ખરીદી કરવા જતી એ ક્ષણો આજે પણ જીવંત છે. દિવાળીના લગભગ એક અઠવાડિયા પહેલાંથી ખરીદી શરૂૂ થઈ જતી. ઘણીવાર અમુક વસ્તુની ખરીદી માટે સાંતાક્રુઝ વેસ્ટ પહોંચી જતાં. દર દિવાળીએ નવાં કપડાં ખરીદવાં એ જાણે અમારી પરંપરા જ બની ગઈ હતી! આ ઉપરાંત, આખા ઘરની સફાઈ કરવી, રંગરોગાન કરાવવું, ઘરને સજાવવું અને તહેવારની તૈયારીઓ કરવી એ પણ અમારી ઉજવણીનો એક મહત્ત્વનો હિસ્સો હતો.
દિવાળીના દિવસે પૂજા કર્યા બાદ આખો પરિવાર સાથે બહાર જમવા જતો. મારા માટે દિવાળીને ખાસ બનાવતી આ જ બાબત છે. દિવાળી માત્ર રોશની, મીઠાઈઓ કે નવાં કપડાં પૂરતી મર્યાદિત નથી, પરંતુ પોતાના પ્રિયજનો સાથે ગુણવત્તાસભર સમય વિતાવવાનો અને સાથે મળીને આનંદ માણવાનો અવસર છે.
મને બાળપણમાં મિત્રો, તેમનાં પરિવારો અને પાડોશીઓ સાથે મળીને દિવાળી ઉજવવાની યાદો પણ ખૂબ વહાલી છે. એ દિવસોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છવાયેલો રહેતો. સૌ એકબીજાને મીઠાઈઓ આપતા, ફટાકડા ફોડતા અને સાથે મળીને તહેવારની ખુશીઓ માણતા. દિવાળીના દિવસોમાં આખો મહોલ્લો જાણે જીવંત બની ઊઠતો. એ જૂના સમયની સામૂહિક ઉજવણીની મજા આજે ખૂબ યાદ આવે છે.
આ દિવાળીએ ચાલો, ઘોંઘાટ અને ભય નહીં, પરંતુ પ્રકાશ, પ્રેમ અને ખુશીઓ ફેલાવીએ. આપણાં અબોલ પશુ-પક્ષીઓ અને ખાસ કરીને પાલતુ પ્રાણીઓની સુખાકારીનું પણ ધ્યાન રાખીએ. આપણી ઉજવણીથી કોઈને નુકસાન થવું ન જોઈએ. શક્ય હોય ત્યાં કોઈના જીવનમાં ખુશીનો એક નાનકડો દીપ પ્રગટાવવાનો પ્રયાસ કરીએ.
સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ!
નિધિ શેટ્ટી….પ્રેરણા
