ગુજરાત

કાલે છેલ્લો દિવસ છતાં લોકમેળામાં એક પણ ફોર્મ ભરાયું નહીં

Published

on

પ્લોટના ભાવ ઘટાડવા અને સોગંદનામાંથી મુક્તિ આપવા વેપારીઓની રજૂઆત: હજુ સુધી લેઆઉટ પ્લાન મંજૂર નહીં થતા વેપારીઓ અવઢવમાં: સ્ટેજ, સિક્યુરિટી, વીડિયોગ્રાફીના ટેન્ડર બહાર પડ્યા: અત્યાર સુધીમાં 190 ફોર્મ ઉપડ્યા

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિતે યોજાતા લોકમેળામાં આ વખતે ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને લોકોની સુરક્ષા માટે અમુક કડક નિયમો લગાવવામાં આવ્યા છે. અને પ્લોટ તેમજ સ્ટોલમાં 30 ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે શરૂઆતમાં વેપારીઓએ ફોર્મ લેવા પડાપડી કરી હતી. પરંતુ આવતી કાલે છેલ્લો દિવસ હોવા છતાં હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું નથી. બીજી બાજુ વેપારીઓ દ્વારા પ્લોટના ભાવ ઘટાડવા અને સોગંદનામામાંથી મુક્તિ આપવા લોકમેળા સમિતિ સમક્ષ રજૂઆત કરી હતી. જો કે, હજુ સુધી લોકમેળાનો લેઆઉટ પ્લાન મંજુર થયો નથી જેના કારણે વેપારીઓ પણ અવઢવમાં મુકાયા છે. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિતે આગામી તા. 24 થી 28 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ટીઆરપી અગ્નિકાંડને ધ્યાને રાખીને મેળામાં આવતા લાખો લોકોની સુરક્ષા માટે આ વખતે 30 ટકા જેટલા સ્ટોલ અને રાઈડોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અને મેળાના મેદાનમાં ખુલ્લી જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ ચારના બદલે છ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ રાખવામાં આવ્યા છે.


લોકમેળાના ફોર્મનું વિતરણ પાંચ દિવસ પહેલા જ બે સ્થળેથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં ફોર્મ લેવા માટે વેપારીઓ અને યાંત્રિક રાઈડોના સંચાલકોમાં ભારે ધસારો જોવામ લ્યો હતો અને અત્યાર સુધીમાં 190 ફોર્મ ઉપડી ગયા છે. આવતી કાલે ફોર્મ ભરીને આપવાનો છેલ્લો દિવસ છે પરંતુ હજુ સુધી એક પણ ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી.


આ વખતે મેળામાં રમકડાના સ્ટોલ અને યાંત્રિક રાઈડોના પ્લોટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અને જેની સામે લોકમેળા સમિતિએ પ્લોટના ભાડામાં વધારો કર્યો છે. તેમજ લોકોની સુરક્ષા માટે ફોર્મ સાથે વેપારીઓ અને યાંંત્રિક રાઈડ્સના સંચાલકોને ફરજિયાત સોગંદનામું રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેની સામે વેપારીઓ અને યાંત્રિક રાઈડોના સંચાલકોએ પ્લોટના ભાડામાં કરેલો વધારો પરત ખેંચવા અને સોગંદનામું રજૂ કરવામાંથી મુક્તિ આપવા રજૂઆત કરી છે.


બીજીબાજુ લોકમેળા સમિતિ દ્વારા તૈયારીના ભાગરૂપે લોકમેળા માટે સ્ટેજ, વીડિયો ગ્રાફી અને સિક્યુરીટીના ટેન્ડરો પશ્ર્ચિમ મામલતદાર દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે લોકમેળા માટે મંડપની કામગીરી મંડપ, એલઈડી, જનરેટર રાખવાની કામગીરી આરએન્ડબીને સોંપવામાં આવી છે. અને સીસીટીવી ફૂટેજ પોલીસ તંત્ર દ્વારા ફીટ કરવામાં આવશે. લોકમેળાની તૈયારીના ભાગરૂપે દર વર્ષની માફક આ વર્ષે પણ વિવિધ 19 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે અને દરેક સમિતિને તેમની કામગીરી સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version