ભારતમાં નાન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) સાયબર ગુનેગારોના નિશાના પર છે. છેલ્લા બે મહિનામાં દેશભરમાં, ખાસ કરીને નાની NBFCs પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને મોટાપાયે સાયબર હુમલા કરવામાં આવ્યા છે. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, આ હુમલાઓ દ્વારા સાયબર ગઠિયાઓએ અંદાજે રૂૂ. 300 કરોડની ઉચાપત કરી છે અને આ મામલે અત્યાર સુધીમાં 150 જેટલી ફરિયાદો કે FIR દાખલ કરવામાં આવી ચૂકી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ મહિનામાં સાયબર હુમલાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. દિલ્હીની એક જ NBFC કંપનીએ પ્રથમ હુમલામાં રૂૂ. 7.5 કરોડ અને થોડા દિવસો બાદ થયેલા બીજા હુમલામાં રૂૂ. 7.25 કરોડ ગુમાવ્યા હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે. આ હુમલાખોરો મુખ્યત્વે એવી કંપનીઓને નિશાન બનાવી રહ્યા છે જેમનું વાર્ષિક ટર્નઓવર રૂૂ. 1,000 કરોડ કે તેનાથી ઓછું હોય અને જેમનું સાયબર સુરક્ષા માળખું નબળું હોય.
સાયબર સિક્યોરિટી એજન્સીઓ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને NBFCsને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સત્વરે અપગ્રેડ કરવાની સલાહ આપી રહી છે. જે કિસ્સાઓમાં તપાસ પૂર્ણ થઈ છે, તેમાં ચીની હેકિંગ પ્લેટફોર્મ ’સાયબરસ્ટ્રાઈક’ની સંડોવણી બહાર આવી છે. નિષ્ણાતોના મતે, હેકર્સ ચીનના બે AI ટૂલકિટ્સ – આર્ટેક્સ અને સાયબરસ્ટ્રાઈકનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત, ડીપસીક, અલીબાબાનું ક્યુવેન, મૂનશોટનું કિમી અને ઝીપુનું જીએલએમ જેવા ચીની ઓપન-સોર્સ મોડલ્સનો પણ આ હુમલાઓમાં વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર ભારત જ નહીં, પરંતુ જાપાન અને દક્ષિણ કોરિયાની નાણાકીય સંસ્થાઓ પણ આ પ્રકારના હુમલાનો શિકાર બની રહી છે.
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હેકર્સ કોઈ કંપની પર હુમલો કરતા પહેલા 10 થી 12 દિવસ સુધી તેની કામગીરીનું ઝીણવટભર્યું વિશ્ર્લેષણ કરે છે. તેઓ પેમેન્ટની પદ્ધતિ, વ્હાઇટલિસ્ટ કરેલા ઈંઉત અને સિસ્ટમના કોડમાં રહેલી ખામીઓનો અભ્યાસ કરે છે. AI ટૂલકિટ્સને કારણે હવે હેકિંગ ઘણું સરળ બની ગયું છે. એક અધિકારીએ જણાવ્યું કે, “માત્ર AI મોડલમાં ટૂલકિટ મૂકીને પ્રોમ્પ્ટ (આદેશ) આપવાનો હોય છે, અને AI એજન્ટ જાતે જ હેકિંગ કરી લે છે.” આ પદ્ધતિ જામતારા-સ્ટાઈલના સોશિયલ એન્જિનિયરિંગને વધુ જોખમી બનાવે છે. સાયબર ઇન્ટેલિજન્સ ફર્મ ’સાયબલ’ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મંદાર પાટીલે જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી હેકર્સ ગ્રાહકો સાથે હિન્દી કે તમિલ જેવી સ્થાનિક ભાષાઓમાં અસ્ખલિત વાતચીત કરી શકે છે, જેથી ગ્રાહકોને તેમની પર શંકા જતી નથી.
