જામનગરના વોર્ડ નં.1માં લાંબા સમય બાદ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું

જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવીને નવો રાજકીય મોરચો ઉભો કર્યો છે. અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ…

જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 1ના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવીને નવો રાજકીય મોરચો ઉભો કર્યો છે. અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ મનાતા આ વોર્ડમાં ભાજપે પ્રથમ વખત ભવ્ય વિજય મેળવતા રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ વોર્ડમાં કોંગ્રેસનું વર્ષોથી પ્રભુત્વ રહ્યું હતું અને ભાજપનું ખાતું પણ ખુલ્યું નહોતું, પરંતુ આ વખતે મતદારોમાં પરિવર્તનની લહેર જોવા મળી. ભાજપની ચારેય ઉમેદવારોની પેનલ વિજયી બની અને તેઓ ‘જાયન્ટ કિલર’ તરીકે ઉભરી આવ્યા છે.

ચૂંટણી દરમિયાન જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી તેમજ પક્ષના મહામંત્રીઓ અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ સહિતના આગેવાનોએ વિસ્તારમા સક્રિય પ્રચાર કર્યો હતો. તેમની સાથે રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ પ્રચારમાં જોડાયા હતા.

સ્થાનિક સ્તરે ભાજપના ઉમેદવારોએ ઘનિષ્ઠ જનસંપર્ક કર્યો અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપતા મતદારોને વિશ્વાસ અપાવ્યો. મતદારો દ્વારા પણ વિકાસની રાજનીતિને સમર્થન મળતા ભાજપને પ્રચંડ જીત મળી છે.

ઉલ્લેખનીય છે કે જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા આ વોર્ડમાંથી મેદાનમાં હતા, અને તેને સુરક્ષિત ગણાતા હતા, છતાં મતદાતાઓએ બદલાવ પસંદ કરતાં ભાજપને જીત અપાવી છે. આ પરિણામ ભાજપ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યારે શહેરની રાજનીતિમાં નવા સમીકરણોની શરૂૂઆતનો સંકેત પણ આપે છે.