AAP પણ સરકારી એજન્સીઓના દુરુપયોગને રવાડે ચડી ગઇ છે

ભારતમાં રાજકારણીઓ પોતે કરે એ લીલા ને બીજાં કરે એ છિનાળું એવી માનસિકતામાં રાચે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અત્યારે તેનો પુરાવો આપી રહી…

ભારતમાં રાજકારણીઓ પોતે કરે એ લીલા ને બીજાં કરે એ છિનાળું એવી માનસિકતામાં રાચે છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અત્યારે તેનો પુરાવો આપી રહી છે. અરવિંદ કેજરીવાલ આણિ મંડળી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર સરકારી એજન્સીઓનો દુરૂૂપયોગ કરવાનો, ખોટા કેસ કરીને કનડગત કરવાનું આળ મૂકે છે પણ કેજરીવાલની પાર્ટીની પંજાબની ભગવંત માન સરકાર પોતે જ એ ધંધો માંડીને બેઠી છે અને થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠક સામે બે કેસ ઠોકી દેવાયા છે.

પંજાબની ભગવંત માન સરકારે સંદીપ પાઠક વિરુદ્ધ પંજાબમાં બે એફઆઈઆર નોંધી છે તેમાં એક એફઆઈઆર ઈ-ભ્રષ્ટાચારને લગતા કેસની છે જ્યારે બીજી ફરિયાદ મહિલાઓના જાતીય શોષણને લગતી છે. આ બંને કેસમાં પાઠક સામે બિન-જામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે કે જેથી જેલમાં ધકેલી દેવાય તો ઝડપથી છુટકારો ના થાય. ધરપકડ માટે પંજાબ પોલીસ દિલ્હીમાં સંદીપ પાઠકના ઘરે પણ પહોંચી ગઈ હતી પણ સંદીપ પાઠક પોલીસ આવે એ પહેલાં પોતાના ઘરેથી પાછલા દરવાજેથી નીકળી ગયા તેથી બચી ગયા. પાઠક હવે ભાજપમાં છે તેથી દિલ્હી પોલીસ તેમની વહારે આવી છે અને ઘરની બહાર બેરીકેડ્રસ લગાવીને પંજાબ પોલીસ અચાનક ના ઘૂસી જાય તેનો બંદોબસ્ત કર્યો છે પણ પંજાબમાં એફઆઈઆર થઈ ગઈ છે તેથી સંદીપ પાઠકે કોર્ટમાં જઈને આગોતરા જામીન મેળવવા સહિતની વિધિ તો કરવી જ પડશે.

સંદીપ પાઠકે પોતાની સામે કેમ કેસ નોંધાયા ને આ કેસ શેને લગતા છે તે અંગે અજ્ઞાન પ્રગટ કર્યું છે, પાઠકનું કહેવું છે કે, પોતાને નથી એફઆઈઆરની કોપી મળી કે નથી પંજાબ પોલીસ દ્વારા કશી જાણ કરાઈ. પંજાબ પોલીસે પણ સત્તાવાર રીતે સંદીપ પાઠક સામેના કેસોની કોઈ વિગત આપી નથી પણ તેમની સામે બે બે કેસ થયા હોવાનું સ્વીકાર્યું છે એ જોતાં પાઠક સામેના કેસોમાં લશ્કર ક્યાં લડે છે એ જ ખબર નથી. પાઠક સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો છે પણ આ ભ્રષ્ટાચાર ક્યારે થયો અને કઈ રીતે થયો તેની કોઈને ખબર નથી. એ જ રીતે પાઠકે કઈ મહિલાઓનું જાતીય શોષણ કર્યું તેની પણ કોઈને ખબર નથી. આ જાતીય શોષણ ક્યારે થયું તેની પણ વિગતો ઉપલબ્ધ નથી. ભાજપના નેતા પણ ભગવંત માન સરકાર કિન્નાખોરી દાખવી રહી હોવાના આક્ષેપો કરી રહ્યા છે પણ કેસ કે એફઆઈઆર મુદ્દે કશું બોલતા નથી તેથી કેસ શાનો છે એ કોઈને ખબર નથી.

અલબત્ત આ ભ્રષ્ટાચાર કે જાતીય શોષણ સંદીપ પાઠકે ચાર દાડામાં એટલે કે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા પછી તો નહીં જ કર્યાં હોય એ નક્કી છે કેમ કે ભાજપમાં જોડાયા પછી સંદીપ પાઠક દિલ્હીમાં જ છે ને પંજાબ ગયા નથી. આ સંજોગોમાં સાચા કે ખોટા જે પણ આક્ષેપો છે એ ભૂતકાળના છે. માનો કે, ભૂતકાળમાં પાઠક સામે અરજીઓ થઈ હોય તો પણ સવાલ એ છે કે, પંજાબની ભગવંત માન સરકારે અત્યાર સુધી સંદીપ પાઠક સામે કેમ કોઈ પગલાં ના લીધાં ? સંદીપ પાઠક રાજ્યસભાના સભ્ય છે તેથી તેમની ધરપકડ પૂરતી તપાસ વિના ના કરાય એવું માની લઈએ તો પણ અત્યાર સુધી એક પણ કેસમાં એફઆઈઆર પણ કેમ ના નોંધાઈ ? સંદીપ પાઠક અત્યાર સુધી દૂધે ધોયેલા હતા પણ આપ છોડીને ભાજપમાં જોડાયા એ સાથે જ પાપી કેમ થઈ ગયા ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *