સફરથી સંસ્કૃતિનો સ્પર્શ

માનવ જીવનમાં પ્રવાસ કે યાત્રા એ એક આગવી ઉર્જા પ્રગટ કરે છે. કોઈ પણ નવા સ્થળે જઈએ ત્યારે ત્યાં ફક્ત કુદરતી સૌંદય કે ઐતિહાસિક સ્મારકો…

માનવ જીવનમાં પ્રવાસ કે યાત્રા એ એક આગવી ઉર્જા પ્રગટ કરે છે. કોઈ પણ નવા સ્થળે જઈએ ત્યારે ત્યાં ફક્ત કુદરતી સૌંદય કે ઐતિહાસિક સ્મારકો જ નથી જોતાં, પરંતુ ત્યાંની ભાષા, સંસ્કૃતિ, પરંપરા, ત્યાંનો ખોરાક કે જીવનશૈલી, પોશાક વગેરેમાં પણ આપણે મનથી ઓતપ્રોત થતાં હોઈએ છીએ. આવા અનુભવો આપણાં મનને વિશાળ બનાવે છે. ઉપરાંત ‘વિશ્વ એક કુટુંબ છે’ એવી ભાવના પણ મજબૂત કરે છે.
દર વર્ષે ‘વર્લ્ડ ટુરિઝમ ડે’ 27 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવે છે. આ દિવસ આપણને એ યાદ અપાવે છે કે, પ્રવાસ એ માત્ર ફરવાનો આનંદ જ નહીં, પરંતુ પૂરાં વિશ્વને જોડવાનો, દરેકની સંસ્કૃતિને સમજવાનો, ઉપરાંત વૈશ્વિક સ્તરે વિકાસનો મહત્વનો અને શક્તિશાળી માર્ગ પણ છે.

આજના યુગમાં પ્રયટન એ ફક્ત મનોરંજન પૂરતું સિમિત ના રહેતા આર્થિક વિકાસનું સાધન પણ બની ગયું છે. ઘણાં નાના નાના દેશો તો માત્ર ને માત્ર પ્રવાસીઓ પર જ નભતા હોય છે. ત્યાનાં દેશોમાં મોટા મોટા કૃત્રિમ બગીચાઓ કે મોટી ભવ્ય ઈમારતોમાં અવનવા મ્યુઝિયમ કે કંઈક આકર્ષક સ્થળ બનાવીને દેશને વિકાસના પંથે દોરતા હોય છે. કુત્રિમ વસ્તુઓ બનાવવા અને તેની જાળવણી કરવા અબજોનો ખર્ચો કર્યો હોય છે. તેથી જ આવા દેશોનાં રોડ રસ્તાઓ પર કચરો કરવા પાછળ આકરા દંડ વસુલાતા હોય છે. આકરા દંડના લીધે જ વિદેશોમાં ચોખ્ખાઈ એક આગવી પ્રતિભા ઊભી કરે છે.
ભારતને પ્રવાસની દ્દષ્ટિએ જોઈએ તો સ્વર્ગ કરતાં પણ ચડિયાતી ભૂમિ છે. કુદરતે જે નજારો ભારતમાં આપ્યો છે એટલો સુંદર નજારો બહારના દેશોમાં લાખોના ખર્ચે પણ નહીં જોવા મળે. કાશ્મીર હોય કે કેરાલા, ચાર ધામ હોય કે પછી બર્ફિલા પહાડો કે પછી કોઈપણ હિલ સ્ટેશન જોઈ લો. દરેકની સૌંદર્યતા અદ્ભુત જોવા મળશે. કુદરતે ભારતને એક બક્ષિસરૂૂપે જે સુંદર ગાઢ જંગલો કે બગીચાઓ, પહાડી રસ્તાઓ કે ઐતિહાસિક મંદિરો જેવી અનેક સ્મૃતિઓ આપી છે તેની જાળવણી કરવી એ દરેક ભારતીયની ફરજ છે.

આપણી સરકાર પ્રવાસન સ્થળોને અબજોનું બજેટ ફાળવીને વિકસાવી રહી છે. છતાં જો આ પ્રવાસન સ્થળોને થોડું હજુ વધુ ડેવલોપ કરે તો વિદેશી પ્રવાસીઓનો ધસારો ખૂબ વધતો જોવા મળશે. ચોખ્ખાઈમાં થોડી સખતાઈ વર્તે કે દંડ વસુલે તો પણ કુદરતી નજારો પોતાની સૌંદર્યતાને અવિરત સાચવશે. ધાર્મિક સ્થળ હોય કે કુદરતી ગાઢ જંગલો દરેકમાં ચોખ્ખાઈ ત્યારે જ આવશે જયારે સરકાર ખુદ આકરા દંડ વસુલવા ઉભી હશે. ભારતમાં રોડ રસ્તાઓ કે જાહેર સ્થળો ત્યારે જ સુંદર રહેશે જયારે દરેક ગંદકી કરનાર પાસે આકરા દંડ વસુલાય.

પર્યાવરણ પ્રદૂષિત ના થાય તેમજ કુદરતી દેનને જો પ્રવાસીઓ નુકસાન પહોંચાડે કે તે પ્રત્યે બેદરકારી દાખવે તો કુદરતી સૌંદર્ય ધીમે ધીમે ખૂટી શકે છે. ઉપરાંત સાંસ્કૃતિક વારસો ખતરામાં આવી શકે છે. દરેક પર્યટકોને આનંદ લેવાનો જેટલો અધિકાર છે તેટલો જ સાથે સાથે પર્યાવરણનું રક્ષણ તેમજ સ્થાનિક સંસ્કૃતિને સન્માન આપવું એ નૈતિક કર્તવ્ય છે. સૌરાષ્ટ્રમાં તો ખાસ કાર હોય કે બસ, બધો કચરો બહાર ફેંકવાની આદત જ પડી ગઈ છે. પાનના ડૂચા ચડાવીને રોડ પર થૂંકતા લોકો હોય કે રોડ પર ખાણી પીણીનાં કાગળો ફેંકતા લોકો દરેક માટે જો આકરા દંડ વસુલાય તો જ ભારતની ભૂમિ સ્વર્ગ જેવી કાયમી રળિયામણી રહી શકે.

દરેક નાગરિકે આ દિવસે એક પ્રતિજ્ઞા જરૂૂર લેવી જોઈએ કે જાહેર કોઈપણ સ્થળ હોય કે કોઈપણ પ્રવાસ નાનો હોય કે મોટો ફક્ત મનોરંજન જ નહીં પરંતુ એક જવાબદારી સાથે યાત્રા કરે. પ્રવાસ કરીએ, સંસ્કૃતિઓને જોડીએ અને તેનું સન્માન કરીએ, દેશની આર્થિક સમૃદ્ધિ વધારીએ તેમજ વિશ્વને નજીક લાવીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *