દેશની રાજધાની દિલ્હીમાં ’ભારત મંડપમ’માં ચાલી રહેલા ’ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’માં ગ્રેટર નોએડાની ગલગોટિયા યુનિવર્સિટીએ દેશની ઈજ્જતનો ફાલુદો કરી નાખ્યો. ગલગોટિયા યુનિવર્સિટીએ ચાઈનીઝ રોબો ડોગને પોતે બનાવેલો ગણાવીને આખી દુનિયાને મૂરખ બનાવવાની કોશિશ કરી પણ તેની પોલ ખૂલી જતાં સોશિયલ મીડિયા પર આપણી ભારે મજાક ઊડી રહી છે. રોબો ડોગ જેવી બીજાંએ બનાવેલી સાવ સામાન્ય પ્રોડક્ટને પોતાના નામે ચડાવીને ટેક્નોલોજીમાં ખાં થઈ ગયા હોવાનાં બણગાં ફૂંકનારનો ભાંડો ફૂટે પછી મજાક ઊડવી સ્વાભાવિક જ છે. ગલગોટિયા યુનિવર્સિટીના સ્ટોલ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી સંચાલિત ’ઓરિયન’ (એઆરઆઇઓએન) નામનો રોબો ડોગ રજૂ કરીને દાવો કરાયેલો કે, આ રોબો ડોગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બનાવ્યો છે.
આ ભવાડા પછી ગલગોટિયા યુનિવર્સિટીને ‘ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’માંથી લાત મારીને તગેડી મુકાઈ છે. યુનિવર્સિટીએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે પણ પોતે કશું ખોટું કર્યું હોવાનું કે આખી દુનિયાને બેવકૂફ બનાવવા નિકળેલાં એવું સ્વીકાર્યું નથી. બલકે સ્ટોલ પર ઊભી રહેલી નેહા સિંહ નામની અધ્યાપિકાને બલિનો બકરો બનાવીને તેના માથો દોષનો ટોપલો ઢોળી દેવાયો છે. યુનિવર્સિટીના કહેવા પ્રમાણે, નેહા સિંહે ખોટી માહિતી આપી તેના કારણે લોકોમાં ભ્રમ ઊભો થયો. નેહા સિંહને પ્રોડક્ટ અંગે કોઈ ચોક્કસ માહિતી નહોતી અને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી પણ ન હતી. યુનિવર્સિટીએ એવો બચાવ પણ કર્યો છે કે, નેહા સિંહનો ઈરાદો ખોટી માહિતી ફેલાવવાનો ન હતો પણ છતાં અતિ ઉત્સાહમાં આવીને પ્રોડક્ટના ટેકનિકલ સ્રોત અંગે ખોટી માહિતી આપી દીધી હતી.
આઘાતજનક વાત એ છે કે, ગલગોટિયાઓના કારણે સમિટ હાંસીને પાત્ર બની ગયું છતાં ગલગોટિયા યુનિવર્સિટી સામે કોઈ પગલાં જ નથી લેવાયાં. દેશની ઈજ્જતનો કચરો કરનારને માત્ર સ્ટોલ ખાલી કરીને જવા દેવાય એ કેવું? આખી દુનિયા સામે દેશની ઈજ્જતનો ફાલુદો કરી નાંખનારી ગલગોટિયા યુનિવર્સિટીની માન્યતા રદ કરી દેવી જોઈએ અને તેના કારભારીઓને જેલમાં નાખી દેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં બીજું કોઈ આવું અપકૃત્ય કરતાં પહેલાં સો વાર વિચાર કરે. એવાં કશાં પગલાં ભરવાના બદલે સરકાર સાવ ચૂપ છે. ગલગોટિયાઓના કારણે મોટા ઉપાડે યોજાયેલું આ સમિટ શંકાના દાયરામાં આવી ગયું છે. ગલગોટિયા તો છીંડે ચડેલા ચોર છે પણ બીજાંએ પણ આ ધંધો નહીં કર્યો હોય તેની શું ગેરંટી? ગલગોટિયા સાવ સસ્તી પ્રોડક્ટ ખરીદીને પોતાની ગણાવવા ગયા તેમાં ભરાઈ પડ્યા પણ બીજા સ્માર્ટનેસ બતાવીને કોઈને ખબર ના પડે એ રીતે વિદેશમાં બનેલી પ્રોડકટ્સને ખરીદીને મેઈક ઈન ઈન્ડિયાનું લેબલ ચિપકાવીને બેસી નહીં ગયા હોય તેની ખાતરી નથી એ જોતાં સમિટમાં કેટલું સાચા અર્થમાં સ્વદેશી એ સવાલ છે.
આ તાયફાએ ભારતમાં શિક્ષણ અને એઆઈ સેક્ટરની દયનિય હાલત પણ છતી કરી દીધી છે. ગલગોટિયા યુનિવર્સિટીએ બીજું કંઈ ના કર્યું હોત ને 3 લાખમાં ખરીદેલા રોબો ડોગની નકલ કરીને નવો રોબો ડોગ બનાવી દીધો હોત તો પણ ચાલત પણ યુનિવર્સિટીએ ના કરી શકી કેમ કે તેની પાસે એવી તાકાત જ નથી. જે યુનિવર્સિટી 350 કરોડ રૂૂપિયાની એઆઈ ઈસીઓ એસવાયએસટીઈએમ હોવાનો દાવો કરે એ રોબો ડોગની નકલ ના કરી શકે તેનો અર્થ એ થયો કે, યુનિવર્સિટી પાસે ખરેખર કોઈ સિસ્ટમ નથી અને ખોટા દાવા કરીને વિદ્યાર્થીઓને ઉલ્લુ બનાવાય છે. આવા લોકોના ભરોસે આપણે એઆઈમાં સુપર પાવર બનવા નિકળ્યા છીએ!
