સુરેન્દ્રનગરનાં દસાડામાં ગમખ્વાર અકસ્માત, રિક્ષામાં સવાર ત્રણ શ્રમિકોના કરુણ મોત

જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર મોડી રાત્રે એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એછવાડા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક…

જિલ્લાના દસાડા-પાટડી હાઈવે પર મોડી રાત્રે એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. એછવાડા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર પાટણ જિલ્લાના ત્રણ શ્રમિક યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ભોગ બનેલા ત્રણેય મૃતકો પાટણ જિલ્લાના સમી તાલુકાના ટુવડ ગામના વતની હતા. મૃતકોની ઓળખ કિરણ વાઢેર, બળદેવ ઠાકોર અને ભરત ગગજી સિંધવ તરીકે થઈ છે. મોડી રાત્રે જ્યારે તેઓ રિક્ષામાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે એછવાડા ગામના પાટિયા પાસે ટ્રેલરના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી રિક્ષાને અડફેટે લીધી હતી.

ટ્રેલર નીચે રિક્ષા ચગદાઈ જતાં રિક્ષાચાલક અને મુસાફરો અંદર જ દબાઈ ગયા હતા. જેમાં બે યુવકોના તો તુરંત જ પ્રાણ પંખેડા ઊડી ગયા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તેને હોસ્પિટલ પહોંચાડાય તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ દસાડા પોલીસ મથકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ ઘટનામાં મૃતકોમાં કિરણ વાઢેર, બળદેવ ઠાકોર અને ભરત ગગજી સિંધવનો સમાવેશ થાય છે.

પોલીસે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ રિક્ષામાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ મામલે દસાડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ વણોદ બીટના જમાદાર હમીર સોલંકીને સોંપી છે. અકસ્માત બાદ ટ્રેલરચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કરાયા છે. સ્થાનિકો દ્વારા હાઈવે પર બેફામ દોડતા ડમ્પરો અને ભારે વાહનોના માલિકો સામે કાયદાકીય પગલાં ભરવા ઉગ્ર માગ કરવામાં આવી છે.