જસદણમાં નાનાભાઇ દ્વારા મોટાભાઇના પરિવાર ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ

જસદણમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સગા નાના ભાઈએ પત્નીઓના ઝઘડાની અદાવત રાખી પોતાના જ મોટા ભાઈ, ભાભી અને ભત્રીજાને જાનથી મારી…

જસદણમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સગા નાના ભાઈએ પત્નીઓના ઝઘડાની અદાવત રાખી પોતાના જ મોટા ભાઈ, ભાભી અને ભત્રીજાને જાનથી મારી નાખવાના ઈરાદે કાર નીચે કચડવાનો કર્યો પ્રયાસ કરી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં મોટરસાયકલ સવાર દંપતી અને તેમના 11 વર્ષના માસૂમ પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જસદણ પોલીસે આ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જસદણના ગંગાભુવન રહેતા સુખદેવભાઈ સામતભાઈ પોયલાએ પોલીસ ફરિયાદમાં તેના સગા નાનાભાઈ વિજય સામતભાઈ પોયલાનું નામ આપ્યું હે. ફરિયાદ માં જણાવ્યા મુજબ તેમના જ મકાનમાં ઉપરના માળે તેમનો નાનો ભાઈ વિજય સામતભાઈ પોયલા રહે છે. વિજયની પત્ની સોનલ અવારનવાર સગા-વ્હાલાઓમાં સુખદેવભાઈની પત્ની હીરલબેનના ચારિત્ર્ય બાબતે ખરાબ વાતો કરતી હોય, જે બાબતે ગઈકાલે બપોરે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ વાતનો ખાર રાખીને નાના ભાઈ વિજયે ષડયંત્ર ઘડી નાખ્યું હતું. બપોરના આશરે દોઢ વાગ્યાની આસપાસ સુખદેવભાઈ પોતાની મોટરસાયકલ નંબર જીજે-03-કેએસ-6765 લઇ પત્ની હીરલબેન અને 11 વર્ષના પુત્ર દેવને બેસાડીને કાકાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ભૂતડા દાદાના મંદિર વાળી શેરી પાસે પહોંચતા જ, સામેથી નાના ભાઈ વિજયે પોતાની વેગનઆર કાર નંબર જીજે-01-કેએ-2343 લઇ આવી પૂરઝડપે અને બેફામ સ્પીડે ચલાવી આવી, જાનથી મારી નાખવાના આશય સાથે મોટા ભાઈની બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્રણેય જણા રોડ પર પટકાયા હતા.

અકસ્માત સર્જ્યા બાદ પણ વિજયનો ગુસ્સો શાંત થયો ન હતો. તે કર માંથી લોખંડનો પાવડો લઈને નીચે ઉતર્યો હતો અને ભાઈ-ભાભી પર હુમલો કરવા દોડ્યો હતો. જોકે, આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક વચ્ચે પડી જતાં ત્રણેયનો આબાદ બચાવ થયો હતો અને આરોપી વિજય પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જસદણ પોલીસે ભારતીય વિજય સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂૂ કરી છે.