બોલીવુડ ઍક્ટર ચંકી પાંડે આજકાલ ઍક્ટિંગ માટે નહીં, પણ એક ગધેડાને કારણે ચર્ચામાં છે. મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં ભરાયેલા ડોન્કી મેળામાં ચંકી પાંડે નામનો એક ગધેડો સ્ટાર બની ગયો છે. આ ગધેડો 72,000 રૂૂપિયામાં વેચાયો હતો અને આ મેળામાં વેચાયેલો સૌથી મોંઘો ગધેડો બન્યો હતો. મંદાકિની નદીના કિનારે ભરાતા આ મેળામાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને રાજસ્થાનથી લગભગ 250 ગધેડા અને ખચ્ચર વેચાવા આવ્યા હતા.
આ મેળામાં વેપારીઓ ખરીદદારોને આકર્ષિત કરવા માટે ગધેડાઓનું નામકરણ બોલીવુડના કલાકારોના નામે કરે છે. જોકે માત્ર નામ સુપરસ્ટારનું પાડી દેવાથી એને વધુ કિંમત મળે છે એવું નથી. આ મેળામાં શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તી નામ ધરાવતા ગધેડાઓ પણ હતા, પરંતુ એને ચંકી પાંડે જેટલી કિંમત મળી નહોતી. એક છાપાવાળાએ તો આ બાબતે ઍક્ટરને સીધું પૂછી લીધું તો તે કહે છે, ’આ તો મારા માટે સન્માનની વાત છે. મારા દોસ્તો પણ આ સમાચારની ક્લિપ મને ફોર્વર્ડ કરી રહ્યા છે.’
