મોરબીનું દંપતી અને બાળકીનો બચાવ: ધ્રોલ નજીક બનેલો બનાવ
મોરબી થી એક દંપતિ પોતાની અઢી વર્ષની બાળકીને સાથે રાખીને એક કારમાં બેસીને જામનગર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન ધ્રોળ નજીક લતીપર રોડ પર એકાએક ચાલુ કારમાં આગ લાગી જતાં અફડાતફડી સર્જાઇ હતી, અને કારનો દરવાજો પણ એક તરફથી લોક થઈ ગયો હતો. દરમિયાન કારચાલક અને તેમના પત્ની બહાર નીકળી ગયા હતા અને અંદર પાછળની સીટમાં સુતેલી તેમની અઢી વર્ષની પુત્રીને પણ સહી સલામત બહાર ખેંચી લેતાં ત્રણેયનો બચાવ થયો હતો. જોકે કારમાં આગળ રાખેલી રોકડ રકમ- ઘડિયાળ વગેરે સળગી ગયા હતા. ધ્રોળની ફાયર બ્રિગેડ ની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી, જ્યારે ધ્રોળનું પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.
આ બનાવની વિગત એવી છે કે મોરબીમાં જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા અને કેબલ ઓપરેટર તરીકે નો વ્યવસાય કરતા રવિ કુમાર ચંદુભાઈ ઓધવીયા પટેલ (32) કે જેઓ પોતાની જી.જે. 36 એ.સી. 4580 નંબરની કારમાં બેસીને મોરબી થી જામનગર તરફ આવી રહ્યા હતા. જે કારમાં તેઓની સાથે પત્ની રવિના બહેનો (ઉંમર વર્ષ 28) તેમજ અઢી વર્ષની પુત્રી ધ્યાની પણ સાથે બેઠેલા હતા.
પોતાની કાર જામનગરના શોરૂૂમમાંથી ખરીદ કરી હોવાથી ત્યાં સર્વિસમાં મુકવા માટે આવી રહ્યા હતા, તે દરમિયાન ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ધ્રોળ- લતિપર હાઇવે રોડ પર એકાએક કારના આગળના ભાગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. સૌપ્રથમ ધુમાડા નીકળવા લાગતાં રવિ કુમાર કારનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા, પરંતુ તેનો દરવાજો લોક થઈ ગયો હતો.
ત્યારબાદ તેમના પત્ની રવિનાબેન પણ કારમાંથી બહાર નીકળ્યા હતા. દરમિયાન તેઓની પુત્રી ધ્યાની કે જે પાછળની સીટમાં બેઠી હતી, અને આગે મોટું સ્વરૂૂપ લઈ લીધું હતું. પરંતુ રવિ કુમારે સમય સૂચકતા વાપરીને પોતાની પુત્રીને સહી સલામત રીતે બહાર કાઢી લીધી હતી. જે દરમિયાન આગળની સીટના ભાગમાં આગ પ્રસરી ગઈ હતી, અને આગળ રાખેલી આઠ હજાર રૂૂપિયાની રોકડ રકમ, ઘડિયાળ તથા અન્ય સામગ્રી કપડાં વગેરે સળગી ઊઠ્યા હતા.
આ બનાવને લઈને અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, આ મામલે પોલીસ તંત્રને જાણ થવાથી ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે. કે. દલસાણીયા તેમજ રાઇટર અનિલભાઈ સોઢીયા કે જેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવાથી ધ્રોળની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી.
પોલીસ તંત્ર દ્વારા પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી તેઓએ રવિ ભાઈ પટેલ નું નિવેદન નોંધ્યું હતું, અને ધ્રોલ પોલીસ મથકમાં આગ અકસ્માતના બનાવ અંગેની નોંધ કરવામાં આવી છે.