સ્પેન નજીક સમુદ્રમાં ભારતીય ક્રૂ ધરાવતું એક ઓઇલ ટેન્કર ડૂબી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ ઘટના બુધવારે બની હતી; સદભાગ્યે, જહાજ ડૂબી જાય તે પહેલાં તમામ આઠ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે ગુરુવારે આ માહિતી આપી હતી. અન્ય એક અહેવાલ મુજબ 7000 ટન ડીઝલ લઇ જતા આ જહાજમાં કુલ 17 ખલાસી હતા એમાંથી સાતને હોસ્પિટલે લઇ જવાયા હતા. એકને પાછળથી મૃત જાહેર કરાયો હતો. તેની રાષ્ટ્રીયતા જાહેર થઇ નથી.
મંત્રીના જણાવ્યા અનુસાર, ‘MT MED AMRE’ નામના ટેન્કર પર સવાર તમામ આઠ ભારતીય નાવિકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સ્પેનની નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબીબી તપાસ અને સારવાર ચાલી રહી છે.
કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર એક પોસ્ટ દ્વારા આ ઘટના વિશે વિગતો આપી હતી. તેમણે સમજાવ્યું કે જહાજના ક્રૂએ ટેન્કર છોડી દેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ, તમામ આઠ ભારતીય નાવિકોને સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા હતા. થોડા સમય પછી, ટેન્કર સમુદ્રમાં ડૂબી ગયું.
બેલેરિક કટોકટી સેવાઓએ ઉમેર્યું હતું કે સ્પેનિશ દરિયાઈ બચાવ સેવા સાલ્વામેન્ટો મેરિટિમોની માલિકીની એક બોટ અને વિમાનને સંભવિત પર્યાવરણીય નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે મોકલવામાં આવ્યા હતા.
