ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા પ્રફૂલ્લ પટેલની જાહેર મંચ પરથી હાકલ, શંકર ચૌધરીનું પણ સમર્થન

દીવ,દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ચૌધરી અને પાટીદાર સમાજને એક થવાની હાંકલ કરી હતી. સાબરકાંઠામાં આંજણા ચૌધરી સમાજના મા અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા…

દીવ,દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ચૌધરી અને પાટીદાર સમાજને એક થવાની હાંકલ કરી હતી. સાબરકાંઠામાં આંજણા ચૌધરી સમાજના મા અર્બુદા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી સહિતનાની ઉપસ્થિતિમાં જાહેર સભાને સંબોધતા દીવ,દમણ, દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલે જાહેર મંચ પરથી પાટીદારો અને ચૌધરી સમાજને એક થવા હાંકલ કરી હતી. આ હાંકલને શંકરભાઇ ચૌધરીએ સમર્થન આપતા ગુજરાતમાં ચૂંટણી પહેલા નવા જ સમીકરણો રચાય તેવા નિર્દેશો મળે છે.

પ્રફુલ્લ પટેલે કહ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય સગી બહેનો છે તો ત્રણેય સગી બહેનોના સંતાનો કેમ અલગ હોય. કડવા અને લેઉવા પટેલનો ભેદ ભૂલવાની સાથો સાથ ચૌધરીને પણ પટેલ ગણવા અપીલ કરી હતી. આટલું જ નહીં એવી પણ ટકોર કરી કે રાજકીય રીતે એક થવાની વાત નથી પણ સામાજિક રીતે એક થવાની જરૂૂર છે. આ તકે સંઘપ્રદેશના પ્રશાસકે અટક ભલે અલગ-અલગ હોય પણ વ્યવસાયે ખેતી કરતા હોય તે તમામને પાટીદાર ગણવા વિશાળ હ્રદયે સમાજના આગેવાનોને વિચારણા કરવા પણ અપીલ કરી હતી. તો સંઘપ્રદેશના પ્રશાસકની આ અપીલને બનાસ ડેરીના ચેરમેન અને ચૌધરી સમાજના દિગ્ગજ નેતા શંકર ચૌધરીએ પણ સમર્થન આપતા કહ્યું કે મા ઉમિયા, મા ખોડલ અને મા અર્બુદા ત્રણેય મા જગદંબાના જ અલગ- અલગ સ્વરૂૂપો છે. ત્યારે તમામને સાથે રાખીને આગળ વધવા અપીલ કરી હતી. આ સાથે જો તમામ સાથે મળીને આગળ વધે તો આવનારી પેઢીનું પણ ભવિષ્ય ઉજ્જવળ હશે.

પાટીદાર અને ચૌધરી સમાજને એક થવાના નિવેદનને હવે ઉમિયાધામ સિદસરના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાનું સમર્થન મળ્યું છે. પ્રફુલ પટેલના નિવેદનને સમર્થન આપતા જગદીશ કોટડીયાએ જણાવ્યું કે, ત્રણેય માતાજી બહેનો છે તો તેમના સંતાનો એક જ હોય. તેમણે વધુમાં કહ્યું કે પાટીદાર અને ચૌધરી સમાજ વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે. બંને સમાજ વચ્ચે સામાજિક એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તે જરૂૂરી છે. ત્યારે પ્રફુલ પટેલના નિવેદન બાદ જગદીશ કોટડીયાના સમર્થનથી આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *