દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર ટકા અનામતનું પાલન તમામ સરકારી ભરતીમાં ફરજિયાત

ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરીઓમાં દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અને રોજગારીની તકોને લઈને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 23 નવેમ્બર જાહેર કરાયેલા…

ગુજરાત સરકાર દ્વારા સરકારી નોકરીઓમાં દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અને રોજગારીની તકોને લઈને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 23 નવેમ્બર જાહેર કરાયેલા પરિપત્રમાં સરકારી જગ્યાઓની સીધી ભરતીમાં બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 4 ટકા અનામતની જોગવાઈનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

સરકારની આ સૂચનાનો હેતુ ભરતી પ્રક્રિયામાં કાયદાકીય અનામતનો યોગ્ય અમલ થાય અને લાયક દિવ્યાંગ ઉમેદવારોને તેમના હકથી વંચિત ન રહેવું પડે તે સુનિશ્ચિત કરવાનો છે. આ માટે સચિવાલયના તમામ વિભાગો, ખાતાના વડાઓની કચેરીઓ તેમજ સરકારી મહેકમોને જરૂૂરી કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે.
દિવ્યાંગ વ્યક્તિઓ માટેની આ અનામત વ્યવસ્થા કેન્દ્ર સરકારના ‘The Rights of Persons with Disabilities Act, 2016’ એટલે કે દિવ્યાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ, 2016ની કલમ 34 પર આધારિત છે. આ કલમ હેઠળ સરકારી સંસ્થાઓમાં બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે કુલ જગ્યાઓના ઓછામાં ઓછા 4 ટકા અનામત રાખવાની કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. આ અનામત વિવિધ નિર્ધારિત દિવ્યાંગતા શ્રેણીઓ વચ્ચે વહેંચવામાં આવે છે. કાયદા મુજબ દૃષ્ટિની ખામી, શ્રવણની ખામી, હલનચલન સંબંધિત દિવ્યાંગતા, બૌદ્ધિક અને વિકાસલક્ષી દિવ્યાંગતા સહિત નિર્ધારિત શ્રેણીઓના ઉમેદવારોને આ જોગવાઈનો લાભ મળી શકે છે.

સામાન્ય વહીવટ વિભાગે આ સૂચનાનો અમલ માત્ર સચિવાલય પૂરતો મર્યાદિત ન રાખતાં તમામ સંબંધિત સરકારી કચેરીઓ સુધી પહોંચાડવા જણાવ્યું છે. તેમાં સચિવાલયના વિભાગો, ખાતાના વડાઓની કચેરીઓ અને સરકારી મહેકમોનો સમાવેશ થાય છે. સીધી ભરતી માટે જગ્યાઓની ગણતરી કરતી વખતે દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જોગવાઈને યોગ્ય રીતે ધ્યાનમાં લેવી અને ભરતી પ્રક્રિયામાં તેનો અમલ થાય તે સંબંધિત વિભાગોની જવાબદારી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *