પોલીસ ઇન્સ્પેકટરોને પ્રમોશન આપવા કવાયત શરૂ, 148નાં રિપોર્ટ મંગાવાયા

ગુજરાતમાં પોલીસ ઇન્સ્પેકટર સંવર્ગ વર્ગ-2ના અધિકારીઓને પ્રમોશન આપવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે અને 148 જેટલા બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરો સામે ચાલી રહેલી તપાસ,…

ગુજરાતમાં પોલીસ ઇન્સ્પેકટર સંવર્ગ વર્ગ-2ના અધિકારીઓને પ્રમોશન આપવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે અને 148 જેટલા બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરો સામે ચાલી રહેલી તપાસ, કોર્ટ કેસ અને ખાતાકીય કાર્યવાહીની વિગતો રાજયના પોલીસ મહાનિર્દેશકની કચેરીના વહિવટી વિભાગ દ્વારા રાજયના પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. પાસેથી માંગવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ કામગીરી અંતર્ગત કુલ 148 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર વર્ગ-2ના અધિકારીઓની યાદીના આધારે વિગતો તૈયાર કરવાની રહેશે. આ અધિકારીઓ સામે 30 માર્ચ, 2026ની સ્થિતિએ કોઈ ગુનાહિત તપાસ, કોર્ટ કેસ, ખાતાકીય તપાસ કે શિસ્તભંગની કાર્યવાહી પેન્ડિંગ હોય તો તેની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે.

પોલીસ વડાની કચેરીએ તમામ સંબંધિત કચેરીઓને આધાર-પુરાવા સાથે સંપૂર્ણ માહિતી મોકલવા જણાવ્યું છે. આ માહિતી નિર્ધારિત ઈ-મેઇલ આઈડી પર સોફ્ટ કોપી અને હાર્ડ કોપી (PDF) સ્વરૂૂપે મોકલવા જણાવવામાં આવ્યું છે.પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, માહિતી એકત્રિત કરીને તેની ચકાસણી કર્યા બાદ જ મોકલવાની રહેશે. જો કોઈ અધિકારીની તાજેતરમાં જ બદલી થઈ હોય તો સંબંધિત કચેરી પાસેથી માહિતી મેળવી તાત્કાલિક પૂરી પાડવાની રહેશે.

પોલીસ વડાની કચેરીએ વધુમાં જણાવ્યું છે કે, નિર્ધારિત સમયમર્યાદામાં માહિતી નહીં મળે તો આ બાબત ગૃહ વિભાગ અને ગુજરાત સરકારના ધ્યાન પર લાવવામાં આવશે. ત્યારબાદ માહિતી ઉપલબ્ધ ન કરાવવા બદલ સંબંધિત કચેરીની જવાબદારી નક્કી થઈ શકે છે. આ સમગ્ર કવાયતના પગલે પોલીસ વિભાગમાં બિનહથિયારી પીઆઇ અધિકારીઓ સામે પેન્ડિંગ કેસો અને ખાતાકીય તપાસની સ્થિતિ અંગેની વિગતો એકત્રિત કરવાની પ્રક્રિયા તેજ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *