બોલિવૂડ સ્ટાર્સને મળી રહેલી ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અમિતાભ બચ્ચન, તુષાર કપૂર અને આયુષ્માન ખુરાના સહિત અનેક હસ્તીઓને મળેલી ધમકીઓ બાદ હવે અભિનેતા સૈફ અલી ખાનને પણ ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનને મળેલી આ ધમકી ઝીશાન અખ્તર દ્વારા આપવામાં આવી છે, જે રાજકારણી બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં વોન્ટેડ આરોપી છે. આ ધમકી અંગે માહિતી મળતા જ મુંબઈ પોલીસ સક્રિય થઈ ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.
સૈફ અલી ખાનને મળેલી ધમકીના મામલે હવે જીશાન અખ્તરનું નામ સામે આવ્યું છે. જોકે, ધમકી ખરેખર જીશાન અખ્તરે જ આપી છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ તેના નામનો ઉપયોગ કરીને ડર ફેલાવી રહી છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં વોન્ટેડ જીશાન અખ્તરનું નામ સૈફ અલી ખાનને મળેલી ધમકીમાં સામે આવતા મુંબઈ પોલીસની તપાસ તેજ બની છે.તપાસ એજન્સીઓ ધમકી પાછળ કોઈ ગેંગનો હાથ છે કે કોઈ વ્યક્તિ નકલી ઓળખનો ઉપયોગ કરીને બોલિવૂડ કલાકારો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે, તે દિશામાં તપાસ કરી રહી છે.
હાલ સૈફ અલી ખાનને મળેલી ધમકીના મામલે ધમકી આપનારની ઓળખ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.આગામી દિવસોમાં તપાસ બાદ સ્પષ્ટ થશે કે ધમકી પાછળ ખરેખર જીશાન અખ્તર છે કે અન્ય કોઈ વ્યક્તિ અને આ ધમકી આપવાનો હેતુ શું હતો.
રાજકારણી બાબા સિદ્દીકીના ઘણા ફિલ્મ સ્ટાર્સ સાથે ગાઢ સંબંધો હતા. તેઓ દર વર્ષે ઈફ્તાર પાર્ટીનું આયોજન કરતા હતા, જેમાં સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત ફિલ્મ અને ટેલિવિઝન જગતની અનેક હસ્તીઓને આમંત્રિત કરવામાં આવતી હતી. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર બાબા સિદ્દીકી પર હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રે લગભગ ૯:૩૦ વાગ્યે હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો; ત્યારબાદ લીલાવતી હોસ્પિટલમાં પહોંચતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
લોરેન્સ બિશ્નોઈ ગેંગ લાંબા સમયથી સલમાન ખાનને ધમકીઓ આપી રહી છે અને તેમના નિવાસસ્થાન પર ગોળીબાર પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘર અને હાસ્ય કલાકાર કપિલ શર્માના કાફે પર પણ હુમલા કરવામાં આવ્યા છે. ગયા મહિને, જ્યારે અભિનેતા ટાઈગર શ્રોફ મુંબઈમાં ફૂટબોલ ગ્રાઉન્ડ પરથી નીકળી રહ્યા હતા, ત્યારે બે હુમલાખોરોએ તેમના વાહન પર ગોળીબાર કર્યો હતો; સદભાગ્યે અભિનેતા આ હુમલામાં બચી ગયા હતા. આ ઘટના દરમિયાન, ટાઈગરના ડ્રાઈવર અને નજીકમાં ઉભેલા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી.
ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા બાદ અન્ય ઘણા સ્ટાર્સને પણ ધમકીઓ મળી હતી. આયુષ્માન ખુરાના પાસે ખંડણીની માંગ કરવામાં આવી હતી, અને અભિનેતા તુષાર કપૂરને પણ આવી જ ધમકી મળી હતી. વધુમાં, અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન ‘જલસા’ પર બોમ્બ મૂકવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે, ટાઈગર શ્રોફ પર હુમલો કરતા પહેલા, આરોપીઓએ આમિર ખાનના ઘરની પણ રેકી (નિરીક્ષણ) કરી હતી. એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે રણવીર સિંહ અને અક્ષય કુમાર પણ સંભવિત નિશાન પર હોઈ શકે છે. ટાઈગર શ્રોફ પર હુમલો કરવાના આરોપમાં બંને વ્યક્તિઓની લગભગ ૨૬ કલાકની અંદર ધરપકડ કરી લેવામાં આવી હતી. દરમિયાન, વિવિધ હસ્તીઓને મળેલી ધમકીઓના સંબંધમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ગયા વર્ષે સૈફ પર હુમલો
ગયા વર્ષે જાન્યુઆરીમાં, સૈફ અલી ખાન પર તેમના પોતાના જ ઘરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલા એક શખ્સે રાત્રે લગભગ ૨:૦૦ વાગ્યે ઝપાઝપી દરમિયાન સૈફ પર છરીથી હુમલો કર્યો હતો. ત્યારબાદ હુમલાખોર ત્યાંથી ભાગી ગયો હતો. સૈફને ઓટો-રિક્ષામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બાદમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
