સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલી રોકડ રકમનો સ્ત્રોત તાત્કાલિક ન સમજાવી શકવાના માત્ર કારણસર કોઈ સરકારી અધિકારી સામે આવક કરતાં વધુ (અપ્રમાણસર) મિલકત ધરાવવાના આરોપ હેઠળ ફોજદારી કાર્યવાહી ચલાવી શકાય નહીં, તેવો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે એક મહિલા અધિકારી સામેનો ભ્રષ્ટાચારનો કેસ રદ કરતી વખતે આપ્યો છે.
આ સમગ્ર મામલો ઓક્ટોબર 2014નો છે, જ્યારે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) ની ટીમે બાતમીના આધારે ગાંધીનગર સ્થિત ડો. જીવરાજ મહેતા ભવન ખાતે એક ખાનગી કારની તપાસ કરી હતી. આ કારમાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ના તત્કાલીન ડેપ્યુટી કમિશનર દીપિકા ચૌહાણ અને તેમના પતિ (જેઓ પણ સરકારી કર્મચારી હતા) સવાર હતા. ACB ના અધિકારીઓને દીપિકા ચૌહાણની હેન્ડબેગમાંથી રૂૂ. 45,420 અને તેમના પતિ પાસેથી રૂૂ. 30,128 રોકડા મળી આવ્યા હતા. પતિએ પોતાની પાસેની રોકડનો હિસાબ આપી દેતા તેઓ કાર્યવાહીમાંથી બચી ગયા હતા, પરંતુ દીપિકા ચૌહાણ તાત્કાલિક સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હતા. ત્યારબાદ ACBએ તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ મિલકત ધરાવવા બદલ FIR નોંધી હતી.
દીપિકા ચૌહાણે આ FIR રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમના વકીલે દલીલ કરી હતી કે તેમનો માસિક પગાર રૂૂ. 65,246 અને તેમના પતિનો પગાર રૂૂ. 48,206 હતો. બંનેની સંયુક્ત આવક મળી આવેલી રોકડ રકમ કરતાં ઘણી વધારે હતી. તેથી, રોકડનો સ્ત્રોત તાત્કાલિક ન સમજાવી શકવાથી તે રકમ ગેરકાયદેસર કે અપ્રમાણસર મિલકત બની જતી નથી.
જસ્ટિસ પી. એમ. રાવલે તેમની દલીલ સ્વીકારીને FIR રદ કરતા અવલોકન કર્યું હતું કે, જ્યારે અધિકારીનો માસિક પગાર જ મળી આવેલી રોકડ કરતાં વધુ હોય, ત્યારે આ રકમ તેમની આવકના પ્રમાણમાં વધુ કેવી રીતે છે તે સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ રહ્યો છે. કોર્ટે બે સાક્ષીઓના નિવેદનો અને અપ્રમાણસર મિલકતના આક્ષેપોવાળી અરજીઓ દફતરે કરતી બે ખાતાકીય નોંધોને પણ ધ્યાનમાં લીધી હતી.
હાઈકોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું હતું કે, દરોડા દરમિયાન અરજદાર પાસેથી મળી આવેલી રકમ અંગે માત્ર ખુલાસો ન આપી શકવાથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(ય) હેઠળ ગુનો બનતો નથી. ગુનો સાબિત કરવા માટે ફરિયાદ પક્ષે મિલકતનું સ્વરૂૂપ, આવકના જાણીતા સ્ત્રોતો અને તે મિલકત આવક કરતાં અપ્રમાણસર છે તે સાબિત કરવું અનિવાર્ય છે.
