ભારતીય ડોક્ટર્સે પોતાની મહેનત અને અસાધારણ પ્રતિભાથી દુનિયાભરમાં મેડિકલ ક્ષેત્રમાં ડંકો વગાડ્યો છે. જેમાં વધુ એક કીર્તિમાન એઈમ્સ દિલ્હીના ડોક્ટર્સ એ સ્થાપિત કર્યું છે. એઈમ્સ દિલ્હીમાં ડોક્ટરોની ટીમે 25 સપ્તાહની પ્રેગનેન્સીમાં એક અજન્મેલા બાળકના સ્પાઈનલ કોડની ગંભીર ઈજાને ઠીક કરવા માટે ગર્ભમાં જ તેની સર્જરી કરી.
આ જટિલ સર્જરી દિલ્હી એઈમ્સમાં આ સર્જરી છ કલાક ચાલી હતી જેમાં 25 સપ્તાહની પ્રેગનેન્સી દરમિયાન માતાનાં ગર્ભમાં જ બાળકના કરોડરજ્જુની જટિલ સમસ્યા માટે ઓપરેશન કરવામાં આવ્યું. આ જટિલ ઓપરેશન કરવા માટે ડોક્ટરોની ટીમે 5 સપ્તાહ સુધી તૈયારી કરી હતી અને ત્યાર પછી ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન સફળ રહ્યું છે. સર્જરી બાદ માતા અને ગર્ભમાં રહેલું બાળક બંને સ્વસ્થ છે.
ડોક્ટર્સે આ સર્જરી માયેલોમેનિંગોસીલ નામની જન્મજાત ગંભીર બીમારીને ઠીક કરવા માટે કરી હતી. જે સ્પાઈના બિફિડાનું સૌથી ખરાબ રુપ કહેવાય છે. આ સમસ્યામાં બાળકની કરોડરજ્જુમાં કાણા હોવાથી નસો બહાર આવી જાય છે. જેના કારણે જન્મ પછી બાળકના મગજમાં પાણી ભરાઈ જવું, લકવો થવા જેવી ગંભીર સમસ્યા થવાનું જોખમ રહે છે. આ ઓપરેશન બાળકના જન્મ પછી પણ થઈ શકે છે પરંતુ બાળકના જન્મ પહેલા ગર્ભમાં જ ઈલાજ કરવામાં આવે તો કરોડરજ્જુને નુકસાનથી બચાવી શકાય છે.
એઈમ્સ દિલ્હીના ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ પ્રકારની સર્જરીમાં ઈન્ફેકશન થવું, પ્રીમેચ્યોર ડિલીવરી જેવા જોખમ રહે છે તેથી સર્જરી પહેલા સાવધાની રાખવી પડે છે. જેની તૈયારી આ કેસમાં 5 સપ્તાહ સુધી કરવામાં આવી હતી. જેથી ઘણા જોખમને ટાળી શકાયા. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ સર્જરી કેન્દ્ર સરકારની જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ફ્રીમાં કરવામાં આવી છે. સર્જરી પછી માતા અને બાળકની હાલત સ્થિર છે.
ગર્ભમાં બાળકની સર્જરી કેવી રીતે કરવામાં આવે?
ઓપન ફીટલ સર્જરી એવી સર્જરી છે જેમાં ગર્ભમાં ઉછરતા બાળકનું પેટમાંથી બહાર કાઢ્યા વિના ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશન માતાના ગર્ભને ખોલીને અંદર જ કરવામાં આવે છે. આ એક જટીલ સર્જરી હોય છે જેમાં એક કરતાં વધારે એક્સપર્ટની મદદ લેવામાં આવે છે. એઈમ્સ દિલ્હીમાં થયેલી સર્જરીમાં 30 થી વધુ ડોક્ટર્સ અને નર્સની ટીમ સામેલ હતી.
