બાગેશ્ર્વર બાબાનું શીર્ષાસન: કૃષ્ણ વિષે ‘વાંકુ’ બોલ્યા પછી માફી માગી

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જોકે, આ વખતે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની તુલના કરતું…

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (બાબા બાગેશ્વર) પોતાના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. જોકે, આ વખતે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની તુલના કરતું એક નિવેદન આપ્યા બાદ તેઓ ભારે વિવાદમાં સપડાયા છે. કથા દરમિયાન શ્રીકૃષ્ણના સ્વરૂૂપ, વ્રજ ધામ અને વાંસળી વગાડવા અંગે કરાયેલી ટિપ્પણીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ કૃષ્ણભક્તો અને સનાતનીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. વિવાદ વકરતાં આખરે ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાથ જોડીને જાહેરમાં સ્પષ્ટતા આપવી પડી છે અને માફી માંગવી પડી છે.

મધ્યપ્રદેશમાં આયોજિત એક કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભગવાન રામ અને શ્રીકૃષ્ણના સ્વરૂૂપની સરખામણી કરતી વખતે વિવાદાસ્પદ શબ્દો કહ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્વરૂૂપની તુલના કરતા કહ્યું હતું કે- તમારા ઠાકુરજી (શ્રીકૃષ્ણ) તો દરેક ફોટામાં ત્રણ જગ્યાએથી વાંકા દેખાય છે. પગ પર પગ ચડાવીને, કમર મરડીને અને ત્રાસી ગરદન કરીને વાંસળી વગાડે છે. જ્યારે અમારા રામજી તો ઊભા પણ સીધા રહે છે, તેમનું નામ પણ સીધું છે અને ચાલે છે પણ સીધા.

આ સિવાય તેમણે અયોધ્યાને સીધું ધામ અને વૃંદાવનના નામ પર પણ ટિપ્પણી કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે વાંસળી વગાડવી એ કોઈ મોટું કામ નથી, પરંતુ ધનુષ્ય ચલાવવું એ રમત વાત નથી.

ધીરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદનની નાની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. સનાતન ધર્મ અને હિંદુ એકતાની વાતો કરતા કથાવાચક દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ માટે આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમની આકરી ટીકા કરી હતી અને કેટલાક લોકોએ તેમને ’કૃષ્ણ વિરોધી’ પણ ગણાવ્યા હતા.

વિવાદ વધુ ઉગ્ર બનતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વિડીયો સંદેશ જાહેર કરીને હાથ જોડીને નમ્રતાપૂર્વક માફી માંગી હતી. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે- તેમનો આશય ક્યારેય ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કરવાનો નહોતો. તેમણે પ્રેમના આવેશમાં અને વિનોદભાવથી ઠાકુરજી માટે આ શબ્દો કહ્યા હતા, જેમ ગોપીઓ અને સખીઓ શ્રીકૃષ્ણ સાથે પ્રેમથી વિનોદ કરતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *