જમ્મુ-કાશ્મીરમાં સત્તાધારી પક્ષના શાસન વ્યવસ્થામાં આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. પક્ષના 19 જેટલા ધારાસભ્યોએ એક તાકીદની બેઠક યોજીને સંગઠન અને સરકાર સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. આ નારાજ જૂથે એક ખાસ ઠરાવ પસાર કરીને મોવડીમંડળ સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરી દીધી છે. તેઓ રાજ્યના મંત્રીમંડળમાં ધરમૂળથી ફેરફારોની માગણી કરી રહ્યા છે અને મંત્રીઓની જવાબદારીઓ ફરીથી વહેંચવાનો દબાણ ઊભો કરી રહ્યા છે.
એટલું જ નહીં, મુખ્યમંત્રીના બે અત્યંત નજીકના વિશ્વાસુ નેતાઓને વહીવટી અને સંગઠનાત્મક જવાબદારીઓમાંથી તાત્કાલિક મુક્ત કરવાની કડક માંગ પણ ઉઠાવી છે.અસંતુષ્ટ ધારાસભ્યોનું સ્પષ્ટ માનવું છે કે સરકાર અને સંગઠનમાં નિર્ણયો લેવાની શૈલીમાં મોટો ફેરફાર આવવો જરૂૂરી છે. મહત્વના હોદ્દાઓ માત્ર અમુક નેતાઓની પસંદગીના આધારે નહીં, પરંતુ સભ્યોની યોગ્યતા અને ક્ષમતા મુજબ ફાળવવા જોઈએ. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર બંને પ્રદેશો વચ્ચે વહીવટી સંતુલન જળવાય અને બંને વિસ્તારોના પ્રતિનિધિઓને સમાન તક મળે તેવી લાગણી આ ધારાસભ્યોએ વ્યક્ત કરી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, તૈયાર કરાયેલા ઠરાવમાં એક મહત્વનો મુદ્દો મૂકવામાં આવ્યો છે. જે મંત્રીઓ બે વર્ષથી પોતાના હોદ્દા પર કાર્યરત છે તેમને પદ પરથી હટાવીને નવા ધારાસભ્યોને મંત્રી તરીકે અજમાવવાની માગ કરવામાં આવી છે. ધારાસભ્યોમાં આ અસંતોષ નવા મંત્રીમંડળ વિસ્તરણ બાદ વકર્યો છે. તે દિવસે અલી મોહમ્મદ સાગર, શમીમા ફિરદૌસ, મીર સૈફુલ્લાહ અને અલ્તાફ કાલૂને મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ નિર્ણયથી કેટલાક વરિષ્ઠ સભ્યોમાં પોતાની અવગણના થયાની લાગણી તીવ્ર બની હતી.
વિરોધ પક્ષે નહીં પરંતુ પોતાના જ ધારાસભ્યોએ મુખ્યમંત્રીના બે અંગત સાથી નાસિર અસલમ વાની અને સાંસદ શમ્મી ઓબેરોય સામે આંગળી ચીંધી છે.તેમને મહત્વની સત્તાઓમાંથી દૂર કરવાની ખુલ્લી માંગ કરવામાં આવી છે. ધારાસભ્યોનો સીધો આરોપ છે કે આ બંને નેતાઓ સંગઠનના રોજિંદા કામકાજ ઉપરાંત સરકારી વહીવટી નિર્ણયોમાં બિનજરૂૂરી દખલગીરી કરી રહ્યા છે. તેના કારણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભૂમિકા સીમિત થઈ રહી છે અને કાર્યકરોમાં હતાશા ફેલાઈ છે.
